આજના આધુનિક યુગમાં બધુ ઑટોમેટીક પરંતું ખતરનાક છે. માનવરહીત હવાઇ યંત્ર જેને આપણે ડ્રૉન કહીએ છીએ તે પણ સુરક્ષા સામે એક મોટો ભય બની ગયું છે. સાઉદી અરબની ઑઇલ રીફાયનરી પર થયેલા ડ્રૉન હુમલાએ વિશ્વને અચંબીત કરી દીધો હતો. તાજેતરમાં જ પંજાબમાં પાકિસ્તાની ડ્રૉન દેખાયા હતા. આજના યુગમાં કે જ્યાં અસમાજીક તત્વો પોતાના ખુરાફાતી દિમાગની સાથે જ અદ્યતન તકનીકોથી પણ સજ્જ હોય છે ત્યારે વિશ્વના તમામ દેશો પોતાની સીમાઓની રક્ષા કઇ રીતે કરી શકશે તે યક્ષ પ્રશ્ન બની ગયો છે. સૈન્ય દળો ડ્રૉનના સૌથી મોટા ગ્રાહકો છે જ પરંતું સામાન્ય નાગરીકોમાં પણ ડ્રૉનનો વપરાશ વધી રહ્યો છે. સામાન્ય લોકો ડ્રૉનનો ઉપયોગ ફિલ્મ ડૉક્યુમેન્ટરી, લગ્ન પ્રસંગ અને અન્ય પ્રસંગોમાં કરે છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં આશરે 6,00,000 ડ્રૉન છે. વર્ષ 2021માં વૈશ્વિક સ્તરે ડ્રૉનનું બજાર USD 2200 કરોડ સુધી પહોંચે તેવી શક્યતા છે. ભારતમાં ડ્રૉનનો વિકાસ USD 88.6 કરોડ થાય તેવી આશા છે.
ડ્રૉનના ભયને દૂર કરવા કડક માર્ગદર્શિકાની જરૂર
હૈદરાબાદ: ડ્રૉનના વધતા જતા ઉપયોગની સાથે જ તેના વપરાશને લઇને કડક માર્ગદર્શનની જરૂરીઆત પણ ઉભી થઇ છે. સ્માર્ટ ટેકનોલોજીની સફળતાની સામે સ્માર્ટ દુરુપયોગનો પડકાર પણ રહેલો છે. જોકે સરકારે ડ્રૉન પર નજર રાખવા માટે રડાર સીસ્ટમ રાખી છે પરંતું તે એટલી અસરકારક નથી.
ડ્રૉનના ઉપયોગની સાથે જ તેના દુરુપયોગનો ખતરો ઝળુંબી રહ્યો છે. સાઉદી અરબની તેલ રિફાયનરીમાં થયેલો ડ્રૉન હુમલો, નબળી સુરક્ષા પ્રણાલી તરફ આંગળી ચીંધે છે. એવી પણ ફરીયાદો ઉઠી રહી છે કે ચીન કેટલાક વિશેષ બનાવટ ધરાવતા ડ્રૉન દ્વારા ગેરકાયદેસર ગુપ્ત માહિતી મેળવે છે. એટલે જ ચીની ડ્રૉન ખૂબ જ સસ્તી કિંમતે મળે છે અને તેથી જ તેની માંગ પણ વધારે છે. વૈશ્વિક સ્તરે વપરાતા ડ્રૉનમાં આશરે 70 ટકા ડ્રૉન ચીની બનાવટના હોય છે. ભારતમાં ડ્રૉનનો ઉપયોગ કેટલાક પ્રસંગો પૂરતો સિમીત છે. ડ્રૉનના ઉપયોગ મુદ્દે ગત ડિસેમ્બરમાં નાગરિક ઉડ્ડયનના ડીરેક્ટોરેટ જનરલએ નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ ફેરફારોને કારણે વ્યાપારિક ક્ષેત્ર સિવાય પણ ડ્રૉનના ઉપયોગની શક્યતાને અવકાશ મળ્યો. દવાઓનો છંટકાવ કરવામાં ડ્રૉનનો ઉપયોગ કરવાથી ખેડૂતોના સ્વાસ્થ્ય પર થતી આડઅસરોને અટકાવી શકાય છે. ઇમર્જન્સી દરમિયાન કેટલાક અંતરીયાળ સ્થળો પર દવાઓ અને પ્રાથમિક સારવારના સાધનો લઇ જવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. કેટલાક રાજ્યોએ તો આ દીશામાં કાર્ય આરંભી પણ દીધુ છે.
જે ડ્રૉન 250 ગ્રામની અંદરનું વજન ધરાવે છે અને 50 મીટરમાં જ ઉડે છે તેને મંજૂરીની જરૂર રહેતી નથી. પરંતું અન્ય ડ્રૉનના વપરાશ માટે મંજૂરી લેવી ફરજીયાત છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ડ્રૉનના વપરાશ પર નિયંત્રણ રાખવું પણ હીતાવહ છે. નેતાઓની સભા અથવા જનસભાઓ કે આંતરરાષ્ટ્રીય સમ્મેલનોમાં ડ્રૉનની તકનિકનો ઉપયોગ થાય છે. અનેક કંપનીઓ ડ્રૉન બનાવે છે પરંતુ બહુ જુજ સંસ્થાઓ છે જે તેના નીતિ નિયમોનું પાલન કરે છે. આ ઉપરાંત આયાત કરેલા ડ્રૉનના નિરીક્ષણ માટે પણ કોઇ પ્રણાલી નથી. સુરક્ષા પરના ખતરાને ધ્યાનમાં રાખીને ડ્રૉનના ઉપયોગ માટે કેટલીક કડક રૂપરેખા હોય તે ખૂબ જરૂરી છે.