અબુ ધાબી:વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સંયુક્ત આરબ અમીરાત (UAE)ની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે બહુપક્ષીય દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે વાતચીત કરી હતી. અબુ ધાબી એરપોર્ટ પર ક્રાઉન પ્રિન્સ એચએચ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ મોદીના સ્વાગત માટે દુબઈમાં બનેલી દુનિયાની સૌથી મોટી ઈમારત બુર્જ ખલીફા પર ભારતીય તિરંગા સાથે મોદીની તસવીર દેખાડવામાં આવી હતી. તેમને આવકારવા માટે પ્રકાશમાં લખવામાં આવ્યું હતું - માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત છે.
યુએઈના રાષ્ટ્રપતિએ સ્વાગત કર્યું:મોદીનું અહીંના રાષ્ટ્રપતિ ભવન 'કસ્ર અલ વતન' ખાતે પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં યુએઈના રાષ્ટ્રપતિએ તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને અહીં ગાર્ડ ઓફ ઓનરનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન બાળકોએ હાથમાં ત્રિરંગો લીધો હતો. વડાપ્રધાન મોદીની UAEની મુલાકાતના કેન્દ્રમાં ઊર્જા, ખાદ્ય સુરક્ષા અને સંરક્ષણ જેવા ક્ષેત્રો હોવાનું માનવામાં આવે છે. ભારત અને UAE વેપાર, રોકાણ, ઉર્જા, ખાદ્ય સુરક્ષા, વિજ્ઞાન અને ટેક્નોલોજી, શિક્ષણ, ફિનટેક, સંરક્ષણ, સુરક્ષા અને લોકો-થી-લોકોના સંપર્કો જેવા ક્ષેત્રોમાં સંબંધો મજબૂત કરી રહ્યા છે.
દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા ચર્ચા: યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે બહુપક્ષીય દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા ચર્ચા કરી. મોદીએ યુએઈના 'કોપ-28'ના અધ્યક્ષપદ માટે સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી: પીએમ મોદીએ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) 'કોપ-28'ના અધ્યક્ષપદ દરમિયાન ભારતના સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી. વડાપ્રધાન મોદીએ શનિવારે યુએઈમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ કોન્ફરન્સ 'COP28'ના નિયુક્ત પ્રમુખ ડૉ. સુલતાન અલ જાબેર સાથે અર્થપૂર્ણ વાતચીત કરી હતી.