અમદાવાદ:નેપાળના પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 72 સીટર પેસેન્જર એરક્રાફ્ટ ક્રેશ થયું. યેતી એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલા અનુસાર યેતી એરલાઈન્સના જૂના એરપોર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ક્રેશ થયેલા યેતી એરલાઈન્સના એરક્રાફ્ટમાં કુલ 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. બચાવ કામગીરી ચાલી રહી છે અને એરપોર્ટ હાલ પૂરતું બંધ છે. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં 36 મૃતદેહો મળી આવ્યા છે.
નેપાળના વડાપ્રધાન એક્શન મોડમાં:નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ પ્રચંડે તમામ સરકારી એજન્સીઓને અસરકારક બચાવ કાર્ય માટે સૂચના આપી છે. આ ઘટના અંગે તેમણે કેબિનેટની ઈમરજન્સી બેઠક પણ બોલાવી હતી. વડાપ્રધાન પ્રચંડની અધ્યક્ષતામાં મળેલી આપાતકાલીન બેઠકમાં સરકારના કેબિનેટ મંત્રીઓ હાજર રહ્યા હતા.
5 ભારતીયો પણ વિમાનમાં સવાર હતા: વિમાનમાં 53 નાગરિકો સાથે પાંચ ભારતીયો હતા, ચાર રશિયાના, એક આયર્લેન્ડના, બે કોરિયાના, આર્જેન્ટિના અને ફ્રાન્સનો એક-એક. આ જાણકારી નેપાળની એરપોર્ટ ઓથોરિટીએ આપી છે. જણાવવામાં આવી રહ્યું છે કે કુલ 68 મુસાફરોમાં 6 બાળકો પણ સામેલ છે. યેતી એરલાઈન્સે વિમાનમાં સવાર તમામ મુસાફરોની યાદી પણ જારી કરી છે.