પેશાવર પાકિસ્તાન: ડૉનના અહેવાલમાં જણાવાયું હતું કે પાકિસ્તાનમાં બારામાં સરકારી ઈમારત અને પેશાવરની નજીકના પોલીસ સ્ટેશન પર થોડા કલાકોમાં થયેલા આતંકવાદી હુમલામાં પાંચ પોલીસ અધિકારીઓ માર્યા ગયા હતાં અને 9 કર્મચારીઓ અને ત્રણ નાગરિકો સહિત 12 અન્ય ઇજાગ્રસ્ત થયા હતાં. એએનઆઈ અનુસાર અધિકારીઓએ જણાવ્યું કે ગુરુવારે સવારે 11 વાગ્યાની આસપાસ પોલીસકર્મીઓએ બે આત્મઘાતી હુમલાખોરોને તહેસીલ મુખ્યાલય સંકુલ અને બારા બજારની બાજુમાં આવેલા પોલીસ સ્ટેશનના પ્રવેશદ્વાર પર અટકાવ્યાં ત્યારે ગોળીબાર થયો હતો.
આત્મઘાતી બોમ્બરોને રોક્યાં:ડૉનના અહેવાલમાં જણાવાયું હતું કે પોલીસે બોમ્બરોને ગોળીબાર કરી રોક્યા હતાં જેમાં એક હુમલાખોરનું મૃત્યુ થયું હતું, જ્યારે બીજાએ પોતાની જાતને ઉડાવી દીધી હતી. વિસ્ફોટની અસરને કારણે ઈમારતનો એક હિસ્સો ધરાશાયી થઈ ગયો હતો. જેમાંં ત્રણ પોલીસકર્મીઓ માર્યા ગયા હતા અને ત્રણ નાગરિકો સહિત 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. ડૉન પાકિસ્તાનનું અગ્રણી દૈનિક છે જે પાકિસ્તાનમાં રાજકીય અને આર્થિક મુદ્દાઓ પર અપડેટ આપે છે.
સાતથી આઠ કિલોગ્રામ વિસ્ફોટકોનો ઉપયોગ: કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD), એક ગુપ્તચર એજન્સી અને જિલ્લા વહીવટીતંત્રની ઓફિસો પણ તે બિલ્ડિંગમાં આવેલી હતી જ્યાં હુમલો થયો હતો તેમ ડૉને સૂત્રોને ટાંકીને લખ્યું છે. બોમ્બ ડિસ્પોઝલ યુનિટના અધિકારીઓએ જણાવ્યું હતું કે સાતથી આઠ કિલોગ્રામ વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આત્મઘાતી બોમ્બરો પાસે હેન્ડ ગ્રેનેડના ટુકડા મળી આવ્યા હતા. આ સૂત્રોએ યાદ કર્યું હતું કે સીટીડીએ થોડા દિવસો પહેલા અક્કાખેલ વિસ્તારમાં અલગ-અલગ બાતમી આધારિત કામગીરી દરમિયાન કથિત ખંડણીખોર ગેંગના ચાર સભ્યોને મારી નાખ્યા હતા અને અન્ય 13ની ધરપકડ કરી હતી.