જેરૂસલેમ: પેલેસ્ટાઈનના આંતકીઓ તરફથી ઈઝરાયલ પર રોકેટો છોડાયા બાદ ઈઝરાયલે પણ યુદ્ધની જાહેરાત કરી દીધી છે. સમાચાર એજેન્સી એએફપી અનુસાર શનિવારના પરોઢે ફિલિસ્તીની આતંકીઓએ ઈઝરાયલના ઘણા વિસ્તારોમાં અસંખ્ય રોકેટ છોડ્યાં. જેમાં એક મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. આ હુમલા બાદ ઈઝરાયલે યુદ્ધની ઘોષણા કરી દીધી છે અને પોતાના નાગરિકોને ઘરની અંદર રહેવાની સલાહ આપી છે.
ઈઝરાયલ પર રોકેટ મારો:રિપોર્ટ અનુસાર, ગાઝા પટ્ટી તરફથી ઈઝરાયલના ઘણા રહેણાંક વિસ્તારો પર રોકેટો છોડવામાં આવ્યાં છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું છે કે, હવાઈ હુમલાને લઈને એલર્ટ કરનારા સાયરનના પડઘા દેશની આર્થિક અને સાંસ્કૃતિક રાજધાની તેલ-અવીવ સુધી સંભળાયા હતાં. રિપોર્ટ અનુસાર, શનિવારની વહેલી સવારે આ બોમ્બવર્ષા લગભગ 30 મિનિટ સુધી ચાલી. ઈઝરાયલના બચાવ દળ મેગન ડેવિડ એડોમે જણાવ્યું હતું કે, દક્ષિણી ઈઝરાયલમાં એક ઈમારત પર રોકેટ પડવાથી 70 વર્ષીય મહિલાનું મોત થયું છે, આ ઉપરાંત 20 વર્ષીય વ્યક્તિને નાની-મોટી ઈજા પહોંચી છે.
ઈઝરાયલ-પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ:પેલેસ્ટાઈનના આતંકીઓ તરફથી ઈઝરાયલ પર એવા સમયે રોકેટ લોન્ચ કરવામાં આવ્યા. જ્યારે હાલમાં જ ગાઝા અને ઈઝરાયલની અસ્થિર સીમા પર ઘણા દિવસો સુધી તણાવનો માહોલ બની રહ્યો. પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસના નેતા મોહમ્મદ ડેફ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું, જેમાં જણાવાયું છે કે, હમાસે ઈઝરાયલ વિરૂધ્ધ એક નવું સૈન્ય અભિયાન શરૂ કર્યુ છે. આ ઓપરેશનનું નામ 'ઓપરેશન અલ-અક્સા સ્ટોર્મ' રાખવામાં આવ્યું છે. ડેફના જણાવ્યા અનુસાર, આ ઓપરેશનને શરૂ કરવા માટે હમાસે ઈઝરાયલમાં શનિવારની સવારે પાંચ હજાર જેટલાં રોકેટનો મારો ચલાવ્યો. ડેફે પોતાના નિવેદનમાં એ પણ કહ્યું કે, અમે એ નિર્ણય લીધો છે કે, હવે બહુ થઈ ગયું, અમે તમામ પેલેસ્ટાઈનવાસીઓને ઈઝરાયલનો સમાનો કરવાનો આગ્રહ કરીએ છીએ. મોહમ્મદ ડેફને ઈઝરાયલે ઘણી વખત મારવાના પ્રયાસો કર્યો છે. પરંતુ તે દરેક વખતે બચી નીકળવામાં સફળ થયો છે.