લંડન:બ્રિટનના પૂર્વ PM બોરિસ જોન્સનના ભાઈએ અદાણી સંબંધિત કંપનીના ડિરેક્ટર તરીકે રાજીનામું આપ્યું છે. જોન્સનના નાના ભાઈ લોર્ડ જો જોન્સને અદાણી એન્ટરપ્રાઈઝ સાથે સંબંધિત યુકેની રોકાણ કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે.
બોરિસ જોન્સનના ભાઈએ આપ્યું રાજીનામું:અદાણી એન્ટરપ્રાઇઝે ગઈકાલે તેની 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફરિંગ FPO પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. 51 વર્ષીય લોર્ડ જોન્સને ગયા વર્ષે જૂનમાં લંડન સ્થિત એલારા કેપિટલના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જેમણે બુધવારે રાજીનામું આપ્યું હતું. એમ યુકે કંપનીઝ હાઉસના આંકડાઓને ટાંકીને ધ ફાઇનાન્સિયલ ટાઇમ્સે અહેવાલ આપ્યો હતો. તે જ દિવસે અદાણી ગ્રુપે FPO પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો હતો.
અદાણી જૂથની કંપનીઓ પર છેતરપિંડીનો આરોપ:ઈલારા એક મૂડી બજાર કંપની છે જે ભારતીય કંપનીઓ માટે ભંડોળ એકત્ર કરવાનું કામ કરે છે. આ કંપની એફપીઓના બુકરનરમાં પણ સામેલ હતી. લોર્ડ જોન્સને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમને કંપનીની સ્થિતિ વિશે ખાતરી આપવામાં આવી હતી અને તેમણે આ ક્ષેત્રમાં ઓછી જાણકારીને કારણે ડિરેક્ટર તરીકે રાજીનામું આપ્યું હતું. સામે આવેલી માહિતી પ્રમાણે યુએસ સ્થિત રિસર્ચ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી જૂથની કંપનીઓ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યા બાદ ઇલારાનો એસેટ મેનેજમેન્ટ બિઝનેસ ચર્ચામાં આવ્યો હતો.