નવી દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકરે બ્રિટન સાથે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર (FTA)ને અંતિમ સ્વરૂપ આપવામાં વિલંબ માટે ભારતની ટીકા સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે આવા કરારો પર સાવચેતીપૂર્વક વિચાર કરવાની જરૂર છે કારણ કે આવા કરારો લોકોની આજીવિકા પર અસર કરી શકે છે. તેમણે સોમવારે કહ્યું કે આવી વાતો વારંવાર સાંભળવા મળી રહી છે કે શા માટે ભારત બ્રિટન સાથે ઝડપથી FTA પર હસ્તાક્ષર નથી કરી રહ્યું?
ભારત અને બ્રિટન સતત સંવાદમાં: ભારત અને બ્રિટન મહત્વાકાંક્ષી એફટીએને અંતિમ સ્વરૂપ આપવા માટે સતત સંવાદમાં છે. એવું કહેવાય છે કે બંને પક્ષોએ FTAની 26માંથી 20 શરતોને આખરી ઓપ આપી દીધો છે. હવે તેઓ કેટલાક માલસામાન પર આયાત જકાતમાં છૂટ સહિત અનેક મુદ્દાઓ પર મતભેદો ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. બંને પક્ષોએ ગયા વર્ષે એપ્રિલમાં મુક્ત વેપાર કરાર પૂર્ણ કરવા માટે દિવાળીની સમયમર્યાદા નક્કી કરી હતી. પરંતુ કેટલાક મુદ્દાઓ પર મતભેદો તેમજ બ્રિટનમાં રાજકીય ઘટનાક્રમને કારણે કરારને અંતિમ સ્વરૂપ આપી શકાયું નથી.