નવી દિલ્હીઃ યુનાઈટેડ નેશન્સમાં ભારતના પરમેનન્ટ રીપ્રેઝન્ટેટિવ રુચિરા કમ્બોજે કહ્યું કે, ગાઝામાં ચાલી રહેલા ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં નાગરિકોનુ જનજીવન ખોરવાઈ રહ્યું છે. આ ભયાનક માનવીય સંકટ 'સ્પષ્ટ રીતે અસ્વીકાર્ય' છે.
ઈઝરાયલ હમાસ યુદ્ધમાં મોટી સંખ્યામાં નાગરિકો, ખાસ કરીને મહિલાઓ અને બાળકોએ જીવ ગુમાવ્યો છે. જે એક ભયાનક માનવીય સંકટ છે. ભારત નાગરિકોના મૃત્યુની સખત ટીકા કરે છે અને આ સંકટ સ્પષ્ટ રુપે અસ્વીકાર્ય છે. રુચિરા કમ્બોજે કહ્યું કે, અમને ખબર છે 7 ઓક્ટોબરે હમાસે કરેલ આતંકવાદી હુમલો આ યુદ્ધનું મુખ્ય કારણ છે. આ હુમલાને પણ ભારત વખોડે છે. ભારતનો આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ એપ્રોચ છે.
મંગળવારે પશ્ચિમ એશિયામાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી(UNGA)માં સંબોધન કરતી વખતે રુચિરા કમ્બોજે કહ્યું કે, ગાઝા યુદ્ધ વિસ્તારમાં શાંતિ બનાવવા માટે અને બને તેટલી વધુ માનવીય સહાય પહોંચાડવા માટે ભારત પ્રયત્નશીલ છે.
ભારતનું શીર્ષ નેતૃત્વ ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના નેતાઓ સાથે સતત સંપર્કમાં છે. અમે જી-20, બ્રિક્સ જેવા સંમેલનોમાં અને નવેમ્બર 2023માં યોજાયેલ ગ્લોબલ સાઉથ શિખર સંમેલનમાં અમારા વિચાર રજૂ કર્યા હતા. અમે આ મુદ્દે કાયમી અને સઘન ઉકેલની હિમાયત કરી છે. અમે મોટી સંખ્યામાં નાગરિકો વસતા હોય તેવા વિસ્તારોમાં સતત માનવીય સહાય પહોંચાડવાનું આહવાન પણ કર્યુ છે. આ સંદર્ભે અમને આશા છે કે સીક્યુરિટી કાઉન્સિલ રીઝોલ્યુશન 2720 માનવીય સહાયતા વધારવામાં સહયોગ કરશે.