લંડનઃ જલિયાવાલા બાગ હત્યાકાંડ 1919નો બદલો લેવા માટે મહારાણીને મારી નાખવાની ધમકી આપનાર બ્રિટિશ શીખને બ્રિટનની એક કોર્ટે નવ વર્ષની જેલની સજા ફટકારી છે. 21 વર્ષીય જસવંત સિંહ ચૈલ નામના આરોપીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં ક્રિસમસ ડે 2021ના દિવસે વિન્ડસર કેસલની દિવાલો તોડીને રાણી એલિઝાબેથ દ્વિતીયની હત્યા કરવાનું કાવતરું ઘડ્યુ હોવાનું કબૂલ્યું હતું. જસવંત સિંહ ચૈલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં ખુદને સ્ટાર વોર્સ ફિલ્મથી પ્રેરિત થઈને રાણી પર હુમલો કરવાની વાત કરી હતી.
આરોપી માનસિક બીમાર: લંડનની એક અદાલતમાં સુનાવણી દરમિયાન આ વાત સામે આવી હતી કે, બ્રિટિશ શીખ જસવંત સિંહ ચૈલે કિશોરાવસ્થામાં જ રાણીની હત્યા કરવા વિશેની કલ્પના કરી હતી. અને તેણે આ અંગેની માહિતી એક કૃત્રિમ બુદ્ધિ સંચાલિત પ્રેમિકા સાથે વ્યક્ત કરી હતી. જેનું નામ તેણે સરાય રાખ્યું હતું. ન્યાયમૂર્તિ નિકોલસ હિલિયાર્ડે કહ્યું હતું કે, વિભિન્ન વિશેષજ્ઞોના પરસ્પર વિરોધી નિવેદનો બાદ તેમણે નિષ્કર્ષ કાઢ્યો હતો કે, ચૈલ માનસિક રીતે બીમાર છે, પરંતુ અપરાધની ગંભીરતાના કારણે તેને જેલની સજા ભોગવવી પડશે.