નવી દિલ્હી :બ્રિક્સ દેશોના નેતાઓએ ગુરુવારે આર્જેન્ટિના, ઇજિપ્ત, ઇથોપિયા, ઇરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતને જૂથના નવા સભ્યો તરીકે સામેલ કરવાનો નિર્ણય લીધો છે અને એક લાંબી પ્રક્રિયા પર મોહર મારવામાં આવી છે. આ નિર્ણયની જાહેરાત દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સાથે સંયુક્ત મીડિયા બ્રીફિંગમાં કરી હતી.
BRICS expansion : BRICS નેતાઓએ જૂથના નવા સભ્યો તરીકે છ દેશોનો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો - BRICS south africa
15મી બ્રિક્સ સંમેલનમાં છ દેશોને સમૂહના નવા સભ્યો તરીકે સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દેશોમાં આર્જેન્ટિના, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે.
Published : Aug 24, 2023, 4:50 PM IST
છ નવા દેશનો સમાવેશ કરવામાં આવ્યો : રામાફોસાએ જાહેરાત કરી કે નવા સભ્યો 1 જાન્યુઆરી, 2024થી બ્રિક્સનો ભાગ બનશે. વિસ્તરણ પ્રક્રિયા માટે માર્ગદર્શક સિદ્ધાંતો, ધારાધોરણો અને પ્રક્રિયાઓને એકીકૃત કર્યા બાદ નવા સભ્યો અંગેના નિર્ણય પર સહમતિ બની હતી. "બ્રિક્સ વિસ્તરણ પ્રક્રિયાના પ્રથમ તબક્કા પર અમારી સર્વસંમતિ છે." "અમે આર્જેન્ટિના, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતને બ્રિક્સના સંપૂર્ણ સભ્ય બનવા માટે આમંત્રિત કરવાનો નિર્ણય લીધો છે." "અમે બ્રિક્સ સાથે ભાગીદારી બનાવવા માટે અન્ય દેશોના હિતોને મહત્વ આપીએ છીએ અને અમારા વિદેશ પ્રધાનોને બ્રિક્સ ભાગીદારી મોડલ અને સંભવિત દેશોની સૂચિ (જે જૂથમાં જોડાવા માંગે છે) વિકસાવવાનું કામ સોંપ્યું છે."
વડાપ્રધાન મોદીએ શુભકામનાઓ પાઠવી : આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફળ સમિટ માટે રામાફોસાને અભિનંદન પાઠવ્યા હતા અને બ્રિક્સ સભ્યપદના વિસ્તરણ માટે ભારતના સંપૂર્ણ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. પીએમ મોદીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું, 'ભારત હંમેશા માને છે કે નવા સભ્યોના ઉમેરાથી બ્રિક્સ એક સંગઠન તરીકે મજબૂત થશે અને આનાથી અમારા સંયુક્ત પ્રયાસોને નવી ગતિ મળશે. આનાથી બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થામાં ઘણા દેશોનો વિશ્વાસ પણ મજબૂત થશે. બ્રિક્સના નવા સભ્યો સાથે ભારતના ખૂબ જ ઊંડા અને ઐતિહાસિક સંબંધો છે. દ્વિપક્ષીય સહયોગમાં નવા આયામો પણ ઉમેરાશે. બ્રિક્સનું વિસ્તરણ અને આધુનિકીકરણ એ સંદેશ છે કે વિશ્વની તમામ સંસ્થાઓએ બદલાતા સમય અનુસાર પોતાને અનુકૂળ બનાવવાની જરૂર છે.