પાકિસ્તાન:પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો છે. વિસ્ફોટમાં 50થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેના કારણે મસ્જિદનો એક ભાગ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો છે. પેશાવરમાં પોલીસ લાઈન્સ પાસે આવેલી મસ્જિદમાં જોહરની નમાજ બાદ વિસ્ફોટ થયો હતો.
આ પહેલા પણ હુમલાના કિસ્સાઓ: આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બ્લાસ્ટ બાદ અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પહેલા પણ પાકિસ્તાનમાં મસ્જિદ પર હુમલાના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. 16 મે 2022ના રોજ પાકિસ્તાનના કરાચીમાં વિસ્ફોટ થયો હતો. એમએ જિન્નાહ રોડ પર મેમણ મસ્જિદ પાસે વિસ્ફોટ થયો હતો, જેમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં એક પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે.
અગાઉ પણ કરાચીમાં બ્લાસ્ટથયો હતો. 13 મે 2022ની રાત્રે બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ કરાચીના સૌથી વ્યસ્ત કોમર્શિયલ વિસ્તાર સદરમાં થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે બ્લાસ્ટ એક હોટલની બહાર ડસ્ટબીનમાં થયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે વિસ્ફોટ એટલો ભયંકર હતો કે આસપાસના એપાર્ટમેન્ટ, દુકાનો, કારની બારીઓના કાચ તૂટી ગયા અને આગ લાગી ગઈ.