જેરૂસલેમ : ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની સુરક્ષા કેબિનેટે ગાઝામાં 11 દિવસ લાંબી સૈન્ય કાર્યવાહીને રોકવા એકપક્ષી યુદ્ધવિરામને મંજૂરી આપી છે. ઇઝરાઇલી મીડિયાએ આ માહિતી આપી.
ઇઝરાયલ દ્વારા યુદ્ધ વિરામ
સમાચાર એજન્સી રોઇટર્સ અનુસાર, હમાસ અધિકારીઓએ ઇઝરાઇલ સાથે યુદ્ધવિરામની પુષ્ટિ કરી છે. પરંતુ ઇઝરાઇલી મંત્રીમંડળના નિર્ણય અંગે હજી સહમતી બાકી છે. મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ગાઝા પર હવાઈ હુમલો બંધ કરવા અમેરિકાના દબાણ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે યુદ્ધવિરામ ત્રણ કલાક પછી મોડી રાત્રે બે વાગ્યાથી અમલમાં આવશે.
અમેરીકાના દબાણના કારણે લેવાયો નિર્ણય
નેતન્યાહુની ઓફિસે આ અહેવાલોની તુરંત પુષ્ટિ કરી નથી અને હમાસે પણ આ અંગે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂ સાથે વાતચીત કરી હતી અને યુદ્ધ વિરામનું દબાણ કર્યું હતું. પરંતુ યુએસ રાષ્ટ્રપતિ જો બિડેનની 'તનાવમાં નોંધપાત્ર ઘટાડો' માટેની વિનંતી છતાં, નેતન્યાહૂએ ગાઝા પટ્ટી પર લશ્કરી કાર્યવાહી ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી.