ગુજરાત

gujarat

ETV Bharat / international

જાણો દુનિયાના આ દેશોએ પોતાની સરહદ પર કેમ બનાવી છે વિશાળ દીવાલ - આ દેશોએ પોતાની સરહદ પર બનાવી દીવાલ

શું તમે જાણો છો કે દુનિયાના કેટલાક દેશો એવા છે જેમની બૉર્ડર પર કાંટાળા તાર નહીં, પરંતુ સેંકડો કિલોમીટર લાંબી દીવાલ છે. આખરે તે દેશો કયા છે અને આવી દિવાલ બનાવવાનું કારણ શું છે? તસવીરો સાથે સમગ્ર માહિતી જાણવા માટે આ સંપૂર્ણ સમાચાર વાંચો.

બૉર્ડર પર કાંટાળા તાર નહીં, પરંતુ સેંકડો કિલોમીટર લાંબી દીવાલ
બૉર્ડર પર કાંટાળા તાર નહીં, પરંતુ સેંકડો કિલોમીટર લાંબી દીવાલ

By

Published : Sep 9, 2021, 8:29 PM IST

  • વિશ્વના કેટલાક દેશોએ સરહદ પર બનાવી છે લાંબી દીવાલ
  • શરણાર્થીઓ, આતંકવાદી હુમલા, ઘૂસણખોરી, તસ્કરીને રોકવા બનાવી છે દીવાલ
  • દીવાલ બનાવવા માટે તુર્કી, અમેરિકા, ઇઝરાઇલ જેવા દેશોએ અબજો રૂપિયાનો કર્યો છે ખર્ચ

ભારત-પાકિસ્તાન બૉર્ડર પર કાંટાળા તારોની દીવાલ વિશે તમે જાણતા હશો. દુનિયાભરના દેશો વચ્ચે આવા કાંટાળા તારના અનેક ઉદાહરણો છે, પરંતુ દુનિયામાં કેટલાક દેશો એવા પણ છે જેમણે પોતાના પાડોશથી આવનારી અનેક પ્રકારની મુશ્કેલીઓથી બચવા માટે સરહદ પર અનેક કિલોમીટરની કોંક્રીટની દીવાલો ઊભી કરી દીધી છે. આખરે આ દેશો કયા છે અને દીવાલ બનાવવાનો ઉદ્દેશ શું છે? આવો જાણીએ.

સીરિયા અને ઈરાનની બૉર્ડર પર તુર્કીની દીવાલ

તુર્કી દ્વારા સીરિયા અને ઈરાનની બૉર્ડર પર સેંકડો કિલોમીટર લાંબી દિવાલનું નિર્માણ

તુર્કી દ્વારા સીરિયા અને ઈરાનની બૉર્ડર પર સેંકડો કિલોમીટર લાંબી દિવાલનું નિર્માણ કાર્ય લગભગ અંતિમ તબક્કામાં છે. તુર્કીનો આ પ્રોજેક્ટ વર્ષ 2016માં શરૂ થયો હતો. તુર્કીની સરકાર પ્રમાણે 2020ના અંતમાં સીરિયાની બૉર્ડર પર 911 કિલોમીટર લાંબી દીવાલનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને ઈરાનથી અડીને આવેલી 560 કિલોમીટર લાંબી બૉર્ડર પર 200 કિમીની દીવાલ બનાવવામાં આવી રહી છે. તુર્કીએ સીરિયાની સરહદ પર જે દીવાલ બનાવી છે તે ચીનની દીવાલ અને મેક્સિકો-અમેરિકા બૉર્ડર પર બનેલી દીવાલ બાદ દુનિયાની ત્રીજી સૌથી લાંબી દીવાલ છે. આ દીવાલ થર્મલ કેમેરા, ક્લોઝ-અપ સર્વિલાન્સ કેમેરા, રડાર, રિમોટ કંટ્રોલ હથિયાર સિસ્ટમ જેવી આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. દર 300થી 500 મીટરના અંતરે એક વૉચ ટાવર બનાવવામાં આવ્યું છે.

તુર્કીની બૉર્ડર પર ગ્રીસની દીવાલ

તુર્કીની બૉર્ડર પર ગ્રીસની દીવાલ

યુનાન (ગ્રીસ) પહેલા જ તુર્કીની દીવાલ પર આ પ્રકારની દીવાલ બનાવી ચૂક્યું છે, જેના પર અત્યાધુનિક સંરક્ષણ હથિયારો લાગેલા છે. ગ્રીસે બૉર્ડર પર 200 કિમી લાંબી દીવાલ બનાવી છે, જેના પર આધુનિક કેમેરા, સાઉન્ડ કેનન અને સેન્સર લાગેલા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં સીરિયાના યુદ્ધ બાદ સીરિયા અને આસપાસના દેશોના લાખો લોકોએ યુરોપ તરફ પ્રયાણ કરવાનું શરૂ કર્યું હતું, જેમાંથી મોટાભાગના લોકો તુર્કીથી ગ્રીસ અને યુરોપના બીજા દેશો સુધી પહોંચ્યા હતા.

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબજો

અફઘાનિસ્તાનના શરણાર્થી ઈરાનના રસ્તે તુર્કીમાં દાખલ થાય છે અને જેની સરહદ યુરોપ મહાદ્વીપના દરવાજા ખોલી દે છે

લગભગ 20 વર્ષ બાદ અફઘાનિસ્તાન પર તાલિબાનનો ફરીથી કબજો થઈ ગયો છે. 15 ઑગષ્ટના જ્યારે તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કર્યો તો બીજા દેશના નાગરિકો ઉપરાંત અનેક અફઘાનિસ્તાની નાગરિકો પણ પોતાનું વતન છોડવા માટે કાબુલ એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યારબાદ તો અફઘાન શરણાર્થીઓનો નવો પ્રશ્ન દુનિયા સામે ઊભો થયો.

જો કે આ પહેલીવાર છે જ્યારે અફઘાન શરણાર્થી બીજા દેશો તરફ પ્રયાણ કરી રહ્યા છે. વર્ષ 2001થી પહેલા પણ તાલિબાનના કબજા સમયે અફઘાનિસ્તાનના નાગરિકોએ બીજા દેશો તરફ પ્રયાણ કર્યું હતું. અફઘાનિસ્તાનના શરણાર્થી ઈરાનના રસ્તે તુર્કીમાં દાખલ થાય છે અને જેની સરહદ યુરોપ મહાદ્વીપના દરવાજા ખોલી દે છે. આવામાં વર્તમાન સ્થિતિને જોતા આ દીવાલ અફઘાનિસ્તાન શરણાર્થીઓ માટે અડચણ તો બનશે, પરંતુ તુર્કીથી લઇને ગ્રીસ જેવા દેશોના દીવાલ બનાવવાના ઉદ્દેશને એકવાર ફરી યોગ્ય સાબિત કરશે.

આવી દીવાલો બનાવવાનું કારણ શું?

1) ગેરકાયદેસર સ્થળાંતર અને શરણાર્થીઓ

ઈરાનની બૉર્ડર પર તુર્કીની દીવાલ

તુર્કી અને ગ્રીસ જેવા દેશોનું પોતાની બૉર્ડર પર દીવાલ બનાવવાનું સૌથી મોટું કારણ ગેરકાયદેસરના પ્રવાસીઓ અને શરણાર્થીઓની સંખ્યા પર ગાળીયો કસવાનો છે. ઉલ્લેખનીય છે કે સીરિયામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યા પછી લાખો સીરિયન નાગરિકો તુર્કી થઈને પડોશી દેશો તરફ વળ્યા હતા. તુર્કીએ પણ તેની સરહદો ખુલ્લી રાખી હતી, પરંતુ સંયુક્ત રાષ્ટ્રના મતે તુર્કી પાસે હાલમાં 35થી 40 લાખ સીરિયન શરણાર્થીઓ છે, જે વિશ્વના કોઈપણ દેશમાં શરણાર્થીઓની સૌથી મોટી સંખ્યા છે, પરંતુ હવે તુર્કી કોઈને પણ તેની સરહદ પાર કરવાની મંજૂરી આપતું નથી.

ગ્રીસે પણ સ્થળાંતર કરનારાઓને રોકવા માટે તુર્કીની સરહદ પર દીવાલ બનાવી છે. તુર્કીએ ફેબ્રુઆરી 2020માં સ્થળાંતર કરનારાઓ માટે તેની સરહદ ખોલી હતી, પરંતુ ગ્રીસે તેની સરહદ સંપૂર્ણપણે બંધ રાખી હતી. આવી દીવાલોનું નિર્માણ તાજેતરના વર્ષોમાં યુરોપમાં સ્થળાંતર કરનારાઓના પ્રવેશ પ્રત્યે વિવિધ દેશોના કડક વલણને પ્રતિબિંબિત કરે છે.

2) સુરક્ષા

દેશની સરહદ પર કાંટાળી દીવાલ હોય અથવા પછી કોંક્રીટની, પહેલી નજર અથવા આનો પ્રાથમિક ઉદ્દેશ સરહદની સુરક્ષા કરવાનો જ હોય છે. ભલે તુર્કી અને ગ્રીસની દીવાલનો પ્રાથમિક ઉદ્દેશ શરણાર્થીઓને રોકવાનો હોય, પરંતુ સરહદો પર સુરક્ષા માટે દીવાલ બનાવવી દુશ્મનો અને ઘૂસણખોરોના હુમલાથી દેશની સુરક્ષા કરવાનો જ રહ્યો છે.

3) દાણચોરી

વિશ્વના અનેક દેશો ડ્રગ્સથી લઈને હથિયારો અને માનવ અંગો સુધીના માનવ તસ્કરીના કલંક સામે લડી રહ્યા છે. આ સમસ્યાના કારણે પણ આવી દીવાલોનું નિર્માણ વધી રહ્યું છે, જેથી ડ્રગ, હથિયારો અને માનવ તસ્કરી જેવા ગુનાઓને અંકુશમાં લાવી શકાય.

4) યુરોપિયન યુનિયન અને તુર્કીનો કરાર

પ્રવાસીઓેને યુરોપમાં પ્રવેશ કરવા માટે યુરોપિયન યુનિયને માર્ચ 2016માં તુર્કીની સાથે એક એવો વિવાદાસ્પદ કરાર કર્યો હતો, જે હેઠળ તે પ્રવાસીઓને યુરોપમાં પ્રવેશ કરવાથી રોકવા માટે તુર્કીને પૈસા ચૂકવતું હતું. ઉલ્લેખનીય છે કે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે તુર્કીની સરહદ યુરોપના પ્રવેશદ્વાર પર ખુલે છે અને એશિયન દેશોમાંથી સ્થળાંતર કરનારાઓની ભીડનો મોટો હિસ્સો માત્ર તુર્કી થઈને યુરોપ પહોંચી શકે છે.

દુનિયામાં આવી બીજી અનેક દીવાલો પણ છે

1) અમેરિકા-મેક્સિકોની દીવાલ

અમેરિકા-મેક્સિકોની દીવાલ

આને બૉર્ડર વૉલ અથા ટ્રમ્પ વૉલ પણ કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ દીવાલને કલ્પનામાંથી વાસ્તવિક બનાવવાનો શ્રેય અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને જાય છે. ટ્રમ્પે વર્ષ 2016માં પોતાના ચૂંટણી અભિયાન દરમિયાન અમેરિકા-મેક્સિકો સરહદ પર 1600 કિમીથી વધારે લાંબા અંતરની દીવાલ બનાવવાનો વાયદો કર્યો હતો. સાથે જ ટ્રમ્પે કહ્યું હતું કે, આ દીવાલને બનાવવાની કિંમત મેક્સિકો આપશે, પરંતુ મેક્સિકોએ સ્પષ્ટ ના કહી દીધી હતી. રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પે નિર્માણ કાર્ય શરૂ પણ કરાવી દીધું હતું.

અમેરિકા અને મેક્સિકોની વચ્ચે 3145 કિમી લાંબી સરહદ છે. ટ્રમ્પે જે 1600 કિમી લાંબી દીવાલ બનાવવાનો વાયદો કર્યો હતો એ આ વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં લગભગ 730 કમી બની ચૂકી છે, જેની ઊંચાઈ 5થી 9 ફૂટ રાખવામાં આવી છે. સાથે જ સ્ટીલની આ દીવાલની ઊંડાઈ પણ 6 ફૂટ રાખવામાં આવી છે, જેથી નશીલા પદાર્થોના તસ્કરો સુરંગ ના બનાવી શકે, પરંતુ જો બાઇડને અમેરિકાના રાષ્ટ્રપતિનો પદભાર બન્યા બાદ આ દીવાલનું નિર્માણકાર્ય રોકી દીધું છે.

2) ઇઝરાઇલની દીવાલ

ઇઝરાઇલની દીવાલ

20 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારવાળા ઇઝરાઇલની 1068 કિમી લાંબી સરહદ છે. ઇઝરાઇલની દીવાલ 708 કિમી લાંબી છે. ઘણી જગ્યાએ આ દીવાલની ઊંચાઈ 16 ફૂટ સુધી છે, આ દીવાલ જમીનથી 8 ફૂટ નીચે પણ બનાવવામાં આવી છે. ઇઝરાઇલ વિશ્વનો એકમાત્ર યહૂદી દેશ છે અને ઇજિપ્ત, જોર્ડન, સીરિયા, લેબેનોન અને પેલેસ્ટાઇન જેવા દેશો સાથે તેની સરહદ છે. જેમનાથી આ દીવાલ ઇઝરાઇલનું રક્ષણ કરે છે. માનવામાં આવે છે કે આ દીવાલ બનાવવાનું બજેટ 1 અબજ ડૉલર હતું, પરંતુ દીવાલ બનતા-બનતા આ બમણાથી વધારે થઈ ગયું. ઇઝરાઇલે પણ માન્યું છે કે આ દીવાલ બનવાનથી 90 ટકા આતંકવાદી હુમલા ઓછા થયા છે અને સેના પર થનારા ખર્ચમાં ઘટાડો થયો છે.

3) બર્લિનની દીવાલ

13 ઑગષ્ટ 1961ના બનેલી એક દીવાલે રાતોરાત બર્લિન શહેર અને જર્મનીને 2 ભાગોમાં વહેંચી દીધું

2 દેશોની સરહદનો ઉલ્લેખ હોય તો બર્લિનની દીવાલના ઉલ્લેખ વગર આ કહાની અધુરી છે. બર્લિન શહેરમાં 13 ઑગષ્ટ 1961ના બનેલી એક દીવાલે રાતોરાત બર્લિન શહેર અને જર્મનીને 2 ભાગોમાં વહેંચી દીધું. ઉલ્લેખનીય છે કે બીજા વિશ્વ યુદ્ધ બાદ જર્મની બે ભાગોમાં વહેંચાઈ ગયું, તો સેંકડો લોકો જેમાં કારીગરો, ઉદ્યોગપતિ સામેલ હતા તેઓ રાજકીય અને અન્ય કારણોથી પૂર્વ બર્લિન છોડીને પશ્ચિમ બર્લિન જવા લાગ્યા, જેના કારણે પૂર્વ બર્લિનને આર્થિક અને રાજકીય નુકસાન થવા લાગ્યું. ત્યારબાદ 160 કિલોમીટર લાબી દીવાલ બનાવવામાં આવી જેનાથી લોકોના પ્રવાસનમાં ઘણો ઘટાડો આવ્યો. શરૂઆતમાં કાંટાળા તારની દીવાલ અને પછી કોંક્રીટની દીવાલ બનાવવામાં આવી હતી, પરંતુ સોવિયત સંઘના નબળા પડ્યા બાદ દીવાલનો વિરોધ શરૂ થયો અને પ્રદર્શન થવા લાગ્યા. આખરે 28 વર્ષ બાદ 9 નવેમ્બર 1989ના દીવાલને તોડી દેવામાં આવી. ત્યારબાદ 2 ભાગોમાં વહેંચાયેલું પૂર્વ અને પશ્ચિમ જર્મની પણ એક થઈ ગયા. જો કે દીવાલના અનેક ભાગ આજે પણ બર્લિનમાં છે જે અત્યારે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે.

ABOUT THE AUTHOR

...view details