ન્યુયોર્કઃયુક્રેન મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની મહત્વપૂર્ણ 'ઓપન' બેઠક શરૂ થઈ ગઈ છે. ભારતે પણ આમાં પોતાનો પક્ષ રાખ્યો છે. ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ બેઠકમાં કહ્યું કે, ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુરક્ષા અને સલામતી અમારા માટે પહેલી પ્રાથમિકતા છે.
ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ આપ્યું નિવેદન
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ બેઠકમાં કહ્યું, "રશિયન ફેડરેશન સાથે યુક્રેનની સરહદ પર વધી રહેલો તણાવ મોટો ચિંતાનો વિષય છે. આ ઘટનાક્રમો આ ક્ષેત્રની શાંતિ અને સુરક્ષાને નબળી પાડવાની ક્ષમતા ધરાવે છે. અમે તમામ પક્ષોને સંયમ રાખવા હાકલ કરીએ છીએ. અમે માનીએ છીએ કે, રાજદ્વારી વાતચીત દ્વારા જ આ મુદ્દાને ઉકેલી શકાય તેમ છે. આપણે તે પક્ષો દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી પહેલને સ્થાન આપવાની જરૂર છે, જે તણાવ ઓછો કરવા માંગે છે.
ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા : તિરુમૂર્તિ
નાગરિકોની સુરક્ષા અને સલામતી જરૂરી છે. 20,000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો યુક્રેનના વિવિધ ભાગોમાં અને તેના સરહદી વિસ્તારોમાં રહે છે અને અભ્યાસ કરે છે. ભારતીયોની સુખાકારી અમારા માટે પ્રાથમિકતા છે. યુક્રેનની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ પર રશિયાનો દેખીતો હુમલો ઉશ્કેરણી વગરનો છે. સંયુક્ત રાષ્ટ્રના સભ્ય તરીકે યુક્રેન પર આ હુમલો છે. તે આંતરરાષ્ટ્રીય કાયદાના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે.