સંયુક્ત રાષ્ટ્ર : કોરોના વાઇરસનો પ્રકોપ લગભગ સમગ્ર વિશ્વમાં પડ્યો છે, ત્યારે આ વાઇરસ પર સતત અપડેટ લઈ રહેલું સંયુક્ત રાષ્ટ્ર પણ કોરોનાનું શિકાર થયું છે. આમ, તો હાલ સંયુક્ત રાષ્ટ્ર દુનિયામાં કોરોના અસરગ્રસ્ત દેશની સાથે દિવસ-રાત કામ કરી રહ્યું છે, પરંતુ હવે સમાચાર મળી રહ્યાં છે કે, ખુદ સંયુક્ત રાષ્ટ્રના જ 86 કર્મચારીઓ આ વાઇરસની ઝપેટમાં આવી ગયાં છે.
સમગ્ર વિશ્વમાં UNના 86 કર્મચારીઓને કોરોનાનું સંક્રમણ - AMERICA
વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાઇરસથી અનેક લોકોના મોત થયાં છે, ત્યારે યુરોપ, યુ.એસ. અને ઇરાનમાં આ વાઇરસનો સૌથી વધુ પ્રભાવ જોવા મળી રહ્યો છે. આ વાઇરસ પર નજર રાખી રહેલા UN (સંયુક્ત રાષ્ટ્ર)ના દુનિયાભરના 86 કર્મચારીઓનો કોરોના પોઝિટિવ આવ્યો છે.
આ અંગે સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે, અમારા વિશ્વવ્યાપી સ્ટાફના કેટલાક સભ્યો કોરોના વાઇરસથી ચેપગ્રસ્ત થયા છે. આ તકે પ્રવક્તા સ્ટીફન ડુઝારિકે જણાવ્યું હતું કે, યુરોપમાં સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલા કેટલાક સભ્યો કોરોના વાઇરસના ઝપેટમાં આવ્યાં છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આફ્રિકા, એશિયા, પશ્ચિમ એશિયા અને યુ.એસમાં પણ અમારા કર્મચારીઓ આ વાઇરસના શિકાર થયાં છે. જેથી સંક્રમણના રોકવા માટે સંયુક્ત રાષ્ટ્રના વધુ કર્મચારીના પોતાના ઘરેથી કામ કરી રહ્યાં છે.
વધુમાં ડુઝારિકે કહ્યું કે, ન્યુયોર્ક મુખ્યાલયમાં સામાન્ય દિવસોમાં 11 હજાર કર્મચારી હાજર રહેતા હોય છે. જે ઘટીને શુક્રવારની સવારે માત્ર 140 થઈ ગયાં છે. આ ઉપરાંત જિનેવામાં સામાન્ય દિવસે 4 હજાર કર્મચારીઓ હાજર રહેતા હોય છે, ત્યાં ગુરુવારે માત્ર 70 લોકો જ આવ્યાં હતા. પ્રવક્તાએ કહ્યું કે, વિયેનામાં 97 ટકાથી વધુ કર્મચારીઓ ઘરથી કામ કરી રહ્યાં છે. જ્યાં અદિસ અબાબા અને ઇથોપિયામાં 99 ટકા કર્મચારીઓ ઘરથી કામ કરી રહ્યાં છે.