લંડન: બ્રિટન (United Kingdom) માં એક પાલતુ શ્વાન (Pet Dog) માં કોરોના સંક્રમણ (Corona Transmission) ની પુષ્ટિ થઈ છે. બુધવારે એક નિવેદનમાં બ્રિટનના મુખ્ય પશુ ચિકિત્સા અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી હતી.
બ્રિટનના મુખ્ય પશુ ચિકિત્સા અધિકારીના જણાવ્યા પ્રમાણે, 3 નવેમ્બરના રોજ વેબ્રિજ શહેરમાં એનિમલ એન્ડ પ્લાન્ટ હેલ્થ એજન્સી (Animal and Plant Health Agency) ની પ્રયોગશાળામાં પરીક્ષણો બાદ કૂતરામાં કોરોના સંક્રમણ (Corona Transmission in Dog) ની પુષ્ટિ થઈ હતી. હાલમાં આ શ્વાન સંક્રમણની અસરથી બહાર આવી રહ્યું છે.
નિવેદન અનુસાર, આ કૂતરું અગાઉ કોરોના સંક્રમિત થઈ ચૂકેલા પોતાના માલિક દ્વારા કોરોના વાઇરસના સંપર્કમાં આવ્યું હતું. જોકે, હજુ સુધી એ વાત સ્પષ્ટ નથી કે, પાલતુ જાનવર લોકોમાં વાઇરસ ફેલાવી શકે છે કે કેમ?
મુખ્ય પશુ ચિકિત્સા અધિકારીએ કહ્યું કે, કૂતરાઓનું કોરોના સંક્રમિત થવું એ દુર્લભ છે. સામાન્ય રીતે તેઓમાં હળવા લક્ષણો જોવા મળે છે અને થોડાક દિવસોની સારવારમાં તેઓ સાજા પણ થઈ જાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ વાતના કોઈ સ્પષ્ટ પુરાવા નથી મળ્યા કે, પાલતુ જાનવરો માણસોમાં વાઇરસ પહોંચાડે છે.
તેમણે કહ્યું કે, તેઓ આ સ્થિતિ પર ઝીણવટભરી રીતે નજર રાખી રહ્યા છે. અને સ્થિતિ બદલવા પર પાલતુ જાનવરોના માલિકોને માર્ગદર્શન આપીને અપડેટ કરતા રહેશે.