- રાફેલ ડીલને લઇને વધુ એક ખુલાસો
- મીડિયાપાર્ટે ડીલના નકલી ઇનવોઇસ પ્રકાશિત કર્યા
- સુશેન ગુપ્તાને ઓછામાં ઓછા 7.5 મિલિયન યુરો ચૂકવવામાં આવ્યા હોવાનો દાવો
નવી દિલ્હી: ભારત અને ફ્રાન્સ વચ્ચે રાફેલ ડીલ (Rafale Deal) શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાયેલી છે. કોંગ્રેસ સતત ભાજપ પર નિશાન સાધી રહી છે. હવે ફ્રેન્ચ મેગેઝિન મીડિયાપાર્ટે (Mediapart) રાફેલ ડીલમાં લાંચ લેવાના નવા પુરાવાનો દાવો કર્યો છે.
સુશેન ગુપ્તાને ઓછામાં ઓછા 7.5 મિલિયન યુરો ચૂકવ્યા
ફ્રેન્ચ ઓનલાઈન મેગેઝિન મીડિયાપાર્ટે રવિવારના રોજ રાફેલ ડીલ અંગે કથિત નકલી ઈનવોઈસ (Duplicate Invoice) પ્રકાશિત કર્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ફ્રેન્ચ એરક્રાફ્ટ મેકર દસોલ્ટ એવિએશન દ્વારા વચેટિયા સુશેન ગુપ્તાને ઓછામાં ઓછા 7.5 મિલિયન યુરો ચૂકવ્યા હતા. જેથી ભારત સાથે 59,000 કરોડની કિંમતના 36 રાફેલ ફાઈટર જેટનો સોદો કરવામાં મદદ મળી શકે. આ રકમ 2007થી 2012 વચ્ચે આપવામાં આવી હતી.
CBI અને EDને પણ જાણ હતી
મીડિયાપાર્ટના અહેવાલમાં જણાવાયું છે કે, દસ્તાવેજો હોવા છતાં ભારતીય એજન્સીઓએ આ મામલાને આગળ ન વધવા દેવાનો નિર્ણય કર્યો હતો. મીડિયાપાર્ટે અહેવાલમાં જણાવ્યું હતું કે 'આમાં ઓફશોર કંપનીઓ, શંકાસ્પદ કોન્ટ્રાક્ટ્સ અને ખોટા ઇનવોઇસનો સમાવેશ થાય છે.' મીડિયાપાર્ટે એવો પણ દાવો કર્યો છે કે, ઑક્ટોબર 2018થી CBI અને EDને પણ ખબર હતી કે વચેટિયાને 7.5 મિલિયન યુરો (લગભગ 65 કરોડ રૂપિયા)નું કમિશન ચૂકવવામાં આવ્યું હતું. દસોલ્ટ એવિએશને આ બધું માત્ર એટલા માટે કર્યું કે ડીલ થઈ શકે. મીડિયાપાર્ટના જણાવ્યા મુજબ, 5 મહિના પહેલા સોદામાં શંકાસ્પદ ભ્રષ્ટાચાર અને પક્ષપાતની તપાસ કરવા માટે ફ્રેન્ચ ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી હતી.