બુડાપેસ્ટઃરશિયા યુક્રેન (Russia Ukraine War) સંકટ વચ્ચે ફસાયેલા ભારતીય નાગરિકોને બચાવવા માટે ઓપરેશન ગંગા (Operation Ganga) અભિયાન હેઠળ પ્રયાસો ચાલુ છે. આ અંગે કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ (Union Minister Hardeep Singh Puri) ટ્વીટ કર્યું કે, 'આજે 1320 વિદ્યાર્થીઓને બુડાપેસ્ટ (હંગેરી) માંથી બહાર કાઢવામાં આવશે. યુક્રેનના પડોશી દેશ રોમાનિયાથી (બુકારેસ્ટ) 210 ભારતીયોને લઈને ભારતીય વાયુસેના (IAF) વિમાન આજે રવિવારે સવારે હિંડોન (ગાઝિયાબાદ) એરબેઝ પર પહોંચ્યું હતું.
આજે વહેલી સવારે ફ્લાઇટ રોમાનિયાના બુકારેસ્ટથી મુંબઈ પહોંચી
આજે રવિવારે વહેલી સવારે 182 ભારતીય નાગરિકોને લઈને એક વિશેષ ફ્લાઇટ રોમાનિયાના બુકારેસ્ટથી મુંબઈ પહોંચી હતી. આ સિવાય બીજી ફ્લાઈટ 183 વિદ્યાર્થીઓને લઈને બુડાપેસ્ટથી દિલ્હી પહોંચી હતી. જ્યારે યુક્રેનના પડોશી દેશ રોમાનિયા (બુકારેસ્ટ)થી 210 ભારતીયોને લઈને IAFનું એક વિમાન આજે (રવિવારે) સવારે હિંડોન (ગાઝિયાબાદ) એરબેઝ પર પહોંચ્યું હતું. અત્યાર સુધીમાં 575 મુસાફરો ત્રણ વિમાન દ્વારા દિલ્હી અને મુંબઈ પહોંચ્યા છે.
આ પણ વાંચો:યુક્રેનના માયકોલાઈવ બંદર પર 21 ભારતીય ખલાસીઓ ફસાયા
7મી ફ્લાઈટ માટે ચેક-ઈન હાલમાં ચાલુ
રશિયન સેનાના હુમલાને જોતા 24 ફેબ્રુઆરીએ યુક્રેનનું એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યું હતું. યુક્રેનના પડોશી દેશો રોમાનિયા, હંગેરી, સ્લોવાકિયા અને પોલેન્ડથી ફસાયેલા ભારતીય નાગરિકોને વિશેષ ફ્લાઇટ્સ દ્વારા પરત લાવવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ ટ્વીટ કર્યું કે, '1320 વિદ્યાર્થીઓને આજે બુડાપેસ્ટ (હંગેરી) માંથી બહાર કાઢવામાં આવશે. દિલ્હી માટે 4 ફ્લાઇટ્સ પહેલેથી જ ઉપડી ચૂકી છે. 2 ફ્લાઈટ માટે ચેક-ઈન પૂર્ણ થઈ ગયું છે, જ્યારે 7મી ફ્લાઈટ માટે ચેક-ઈન હાલમાં ચાલી રહ્યું છે.
'ઓપરેશન ગંગા' હેઠળ કુલ 6,222 ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા
નાગરિક ઉડ્ડયનપ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ માહિતી આપી છે કે, 'ઓપરેશન ગંગા' હેઠળ છેલ્લા સાત દિવસમાં કુલ 6,222 ભારતીય નાગરિકોને રોમાનિયા અને મોલ્ડોવામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. યુદ્ધગ્રસ્ત યુક્રેનના પડોશી દેશોમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવાની સ્થિતિ અંગે અપડેટ શેર કરતાં સિંધિયાએ ટ્વીટ કર્યું, “છેલ્લા 7 દિવસમાં 6,222 ભારતીયોને રોમાનિયા અને મોલ્ડોવામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આગામી 2 દિવસમાં વધુ 1,050 વિદ્યાર્થીઓને ઘરે મોકલવામાં આવશે.
આ પણ વાંચો:ઇઝરાયેલના PM રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા
વિદેશ મંત્રાલયે યુક્રેનથી ભારતીયોના પરત ફરવા માટે ટ્વિટર હેન્ડલ બનાવ્યું
વિદેશ મંત્રાલયે યુક્રેનથી ભારતીયોના પરત ફરવા માટે એક વિશેષ ટ્વિટર હેન્ડલ બનાવ્યું છે. વિદેશ મંત્રાલયે રવિવારે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીયોને પરત લાવવામાં મદદ કરવાના ઉદ્દેશ્ય સાથે એક સત્તાવાર ટ્વિટર હેન્ડલ ઓપગાંગા હેલ્પલાઇન શરૂ કરી છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના ઓપરેશનને ઓપરેશન ગંગા નામ આપવામાં આવ્યું છે. ભારતે પોલેન્ડ, રોમાનિયા, હંગેરી અને સ્લોવાકિયામાં પહેલાથી જ 24 કલાકના કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે જેથી કરીને ભારતીયોને આ દેશો સાથેની યુક્રેનની સરહદેથી બહાર કાઢી શકાય.