મેનને જણાવ્યું હતું કે, મોદી સરકારે તમામ આંતરરાષ્ટ્રીય મંચો ઉપર ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ત્રાસવાદને મુખ્ય મુદ્દો બનાવી નવી વ્યાખ્યા આપી દીધી છે, ત્યારે સરકારનો મુખ્ય ધ્યેય હવે દેશના અર્થતંત્ર અને વૃદ્ધિ ઉપર નજરનો હોવો જોઈએ. તેમણે એવી દલીલ પણ કરી હતી કે, 2008ના મુંબઈ ત્રાસવાદી હુમલાને એ પછીની સામાન્ય ચૂંટણીમાં પ્રચારનો મુદ્દો બનાવાયો નહોતો. અગાઉ ભારતના ચીન ખાતેના રાજદૂત તરીકે અને વિદેશ સચિવ તરીકે પણ સેવા આપી ચૂકેલા મેનનના મતે ચીનના BRI નો ભારતે તદ્દન એકપક્ષી રીતે માત્ર વિરોધ જ કરતા રહેવું જોઈએ નહીં અને તેના બદલે એક વેપારી સાહસનો દ્રષ્ટિકોણ અપનાવીને જો એનાથી ભારતીય હિતોને પણ લાભ થતો હોય તો તેનો ઉપયોગ પણ કરવો જોઈએ. એક સમયે ભારતના ટોચના રાજદૂત રહી ચૂકેલા મેનને એવું પણ કહ્યું હતું કે, ભારતે હાલના તબક્કે જ RCEP માં જોડાઈ જવું હિતાવહ છે અને આ મુદ્દે દેશની વિદેશ વેપાર નીતિને કોઈ એકલ દોકલ ઉદ્યોગોની ચિંતાઓથી પ્રભાવિત થવા દેવી જોઈએ નહીં. પાકિસ્તાન દ્વારા અણુ યુદ્ધની અપાતી ધમકીઓ વિષેના સવાલના જવાબમાં મેનને કહ્યું હતું કે, તેમના મતે ભારતીય ઉપખંડમાં અણુ સંઘર્ષનું કોઈ જોખમ તેમને જણાતું નથી. તેઓએ વધુમાં એવું પણ કહ્યું હતું કે, ભારતની પહેલા અણુ શસ્ત્રોનો ઉપયોગ (NFU) નહીં કરવાની નીતિ એક સિદ્ધાંત છે અને પરિસ્થિતિમાં ફેરફાર થાય તો એની સાથે તાલ મિલાવવા માટે તે સિદ્ધાંતમાં સર્વગ્રાહી પરિવર્તન લાવી શકાય, પણ ફક્ત એક ફેરફાર કરવા ખાતર એમાં ફેરફાર કરવો જોઈએ નહીં. અહીં પ્રસ્તુત છે તેમની સાથેના સંપૂર્ણ ઈન્ટરવ્યૂની વિગતો.
પ્રશ્નઃ ભારત-ચીન વચ્ચેની બીજી અવિધિસરની શિખર બેઠક વિષે આપ શું માનો છો?
મેનનઃ આ શિખર બેઠક યોજાઈ તે એક હકિકત જ એવું સ્પષ્ટ જણાવે છે કે, બન્ને પક્ષો પરસ્પર સંદેશો આપવા માંગતા હતા કે, અનેક કારણોસર તાજેતરના સમયગાળામાં તેમની વચ્ચેના સંબંધો એક તોફાની તબક્કામાંથી પસાર થયા પછી હવે પાછા રાબેતા મુજબની સ્થિતિમાં આવી ગયા છે. પછી એ ઉતાર-ચડાવનું કારણ ચીનની પાકિસ્તાન પ્રત્યેની નવેસરથી કે વિસ્તારિત પ્રતિબદ્ધતા હોય કે કાશ્મીરમાં કલમ 370 રદ કરવાના નિર્ણયના મુદ્દે ચીનનો પ્રતિભાવ હોય, સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિની બેઠકમાં એ મુદ્દો ઉઠાવવાની વાત હોય કે અન્ય અનેક બાબતો હોય. આ રીતે, બન્ને પક્ષો એવું દર્શાવવા ઈચ્છતા હતા કે, બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં સ્થિરતા છે અને બન્ને દેશો માટે બીજા પણ કેટલાય મહત્ત્વના મુદ્દાઓ છે. ભારતમાં આપણે ત્યાં ચૂંટણીઓ હતી, હવે આપણા દેશના અર્થતંત્રનો તેમજ અન્ય પ્રશ્નો છે. ચીનને પણ પોતાને ત્યાંની અર્થતંત્રની ચિંતાઓ છે, અમેરિકા દ્વારા કરવેરા વિષેના મામલે ઉભું કરાયેલું દબાણ છે તેમજ અન્ય મુદ્દાઓ પણ છે. આ બેઠકથી બન્ને દેશોના હિતોનું જતન થયું છે. વુહાન બેઠકમાં શાંતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાની સફળતા હજી પણ કાર્યરત છે, એ આપણે મમ્મલાપુરમમાં જોયું. જો કે, આ બેઠકમાં બન્ને દેશો વચ્ચેના સંબંધો સમધારણ સ્તરે જાળવી રાખવાની પરસ્પરની ઈચ્છાની તીવ્રતા થોડી ઓછી જણાઈ. એ રીતે પરિણામો, નક્કર ફલશ્રુતિ અને નિવેદનોની વાત કરીએ તો, મમ્મલાપુરમ શિખર બેઠકની સફળતા થોડી ઓછી રહી હોવાનું કહી શકાય. એક ફલશ્રુતિ એ ગણાવી શકાય કે બન્ને દેશો વચ્ચેના વેપાર અને આર્થિક મુદ્દાઓ વિષે ઉચ્ચ સ્તરીય ચર્ચાની વ્યવસ્થા ગોઠવાઈ અને આપણે આશા રાખીએ કે તેના હસ્તક વેપાર ખાધના મુદ્દાઓનો ઉકેલ લાવવા પ્રયાસ થશે તેમજ બન્ને વચ્ચેના સંબંધો આગળ કેવી રીતે ધપાવવા તે દિશામાં પણ વિચારણા થશે. હું માનું છું કે, બન્ને દેશો એક બીજા સાથેના આર્થિક સંબંધોમાં ઘણી સકારાત્મક શક્યતાઓ નિહાળી રહ્યા છે. આ દ્રષ્ટિકોણ લાંબા સમયે ઘડાયો છે. બન્ને દેશો વચ્ચેના સરહદી વિવાદો, રાજકીય મુદ્દાઓમાં જ્યાં એકમતી નથી, તે મુદ્દે કોઈ ખાસ પ્રગતિ જણાઈ નથી. વિદેશ સચિવે આપણને એવું જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીર વિષે તો ચર્ચા પણ નહોતી થઈ. મારા માટે, એ થોડું મુશ્કેલ છે (માનવાનું). શક્ય છે કે, સત્તાવાર રીતે તેની કોઈ ચર્ચા થઈ ના પણ હોય.
પ્રશ્નઃ વિદેશ સચિવ ગોખલેએ એવું તો કહ્યું જ હતું કે શિ જિનપિંગે ઈમરાન ખાનની ચીનની મુલાકાત વિષે ચર્ચા કરી હતી. તો શું કાશ્મીરના ઉલ્લેખ વિના એ ચર્ચા થઈ હોઈ શકે?
મેનનઃ ખાનગી ચર્ચામાં શું થયું એ વિષે આપણે કઈં જાણતા નથી. બન્ને નેતાઓએ એકલા જ (ફક્ત તેઓ બન્ને) ખાસ્સો સમય ગાળ્યો હતો. એટલે કે બન્ને નેતાઓ અને તેમના દુભાષિયાઓ (ઈન્ટરપ્રીટર્સ). નિખાલસપણે કહું તો, એ વિષે ઘણી વધારે વિગતો મળે નહીં ત્યાં સુધી કઈં કહેવું મુશ્કેલ છે. પણ, બન્ને વચ્ચે વાત થઈ તે મહત્ત્વનું છે. તેઓ પરસ્પર એવો સંદેશો પણ આપવા માંગતા હતા કે, દ્વિપક્ષી સંબંધોની ગાડી ફરી પાટે ચડી ગઈ છે. જો કે, આપણે સાવચેતીભરી નજર રાખવી પડે. ચીનમાં એક કહેવત છે, ‘શબ્દો કાને ધરવા પણ નજર વર્તન ઉપર નજર રાખવી.’ અને ભારત-ચીન સંબંધોમાં આ કહેવતને નજર સમક્ષ રાખવી સારૂં જ રહે.
પ્રશ્નઃ સંબંધો સમધારણ સ્તરે રાખવા બાબતે બન્ને દેશો વચ્ચે પરસ્પર ખાસ ઉત્કટતા દેખાઈ નહીં હોવાનું તમે શા માટે માનો છો? વુહાનમાં ઉત્સાહ ચેન્નાઈ કરતાં વધુ સકારાત્મક હતો?
મેનનઃતેનું પાયાનું કારણ છે બન્ને દેશો વચ્ચેની વગમાં તફાવત તેમજ એજન્સીના સ્તરમાં પણ રહેલો ફરક છે. પણ બીજો મુદ્દો એ છે કે, વુહાન શિખર પછીથી આપણે પાકિસ્તાન સાથેના પોતાના સંબંધોમાં નવી વ્યાખ્યા નિર્ધારિત કરી છે. પાકિસ્તાન સાથે જમ્મુ અને કાશ્મીરના મામલે આપણે જે રીતે દલીલોમાં ઉતર્યા છીએ તે તરફ એક નજર કરશો તો, પાકિસ્તાનના તેને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાના પ્રયાસો, નિયંત્રણ રેખાએ શાંતિ ભંગના કૃત્યો, સરહદ પારનો ત્રાસવાદ વગેરે તરફ જોશો તો ખ્યાલ આવશે કે, આજની સરકાર માટે આ બધા મુખ્ય મુદ્દા બની ગયા છે. આપણે આજે ત્રાસવાદ ઉપર વિશેષ ભાર મુકીને, સમગ્ર વિશ્વ સમક્ષ એ બાબતો રજૂ કરીને ફરી એવું ચિત્ર ઉભું કરી રહ્યા છીએ કે આપણે ફરી તેનો શિકાર બન્યા છીએ. તેનાથી બાકીની દુનિયા માટે આપણી સાથે વ્યવહાર કરવો ખૂબજ સહેલો બની રહે છે. એ હદે, આપણે આપણા કદમાં અને આપણી આંતરરાષ્ટ્રીય પ્રણાલિના સંચાલનમાં આપણી ક્ષમતા પોતે જ નબળી પાડી દીધી છે.
પ્રશ્નઃ વડાપ્રધાન મોદીઓ તો જો કે, સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભામાં પાકિસ્તાનનો ઉલ્લેખ જ નહોતો કર્યો. આ રીતે, શબ્દસંયોગના મુદ્દે ક્યાંક એવું તો નથી લાગતું ને કે આપણે કઈંક વધારે પડતું જ નિહાળી રહ્યા છીએ?
મેનનઃ આપણા માટે ત્રાસવાદ એટલે પાકિસ્તાન, તે એકબીજાના પર્યાય છે. આ મુદ્દા પાછળનું ચાલક બળ એ છે, કે આપણા આંતરિક રાજકારણમાં એ ચાલી જતું હોવાનો આપણને દ્રઢ વિશ્વાસ છે. એવી સ્થિતિ શક્ય છે કે, આંતરિક રાજકારણનું ખેંચાણ એક દિશામાં છે, તો વિદેશ નીતિની જરૂરતો થોડી અલગ છે. આ એક એવો વિરોધાભાસ છે, જેનો સરકારે કોઈક રીતે ઉકેલ લાવવો જોઈએ.
પ્રશ્નઃ આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ત્રાસવાદને મુખ્ય મુદ્દા તરીકે રજૂ કરવાનું પરિણામ શું છે? કારણ કે દલિલ એવી છે કે આજે ભારત માટે ત્રાસવાદ એક ચાવીરૂપ પડકાર છે.
મેનનઃતે ખરેખર એક ચાવીરૂપ પડકાર છે? તમે ત્રાસવાદી ઘટનાઓમાં મૃત્યુ આંક જુઓ, તમે આપણને સરહદપારથી ઘૂસણખોરીનો સામનો કરવામાં મળેલી સફળતા જુઓ, ત્રાસવાદી ઘટનાઓ જુઓ તો એ તમામ મોરચે આપણી સ્થિતિ અગાઉ કરતાં ઘણી સારી છે, આપણે શિખ્યા છીએ. આપણે વાજપેયી સરકારના કાળથી પછીના વર્ષોમાંની સ્થિતિ તરફ, છેલ્લા બે દાયકા ઉપર નજર કરીએ તો જણાશે કે આપણે સતત તેનો સામનો કરતા શિખ્યા છીએ, તેનો મુકાબલો સારી રીતે કર્યો છે. તેની અસર શું છે? તમે લોકોની આજીવિકાના મુદ્દે જુઓ, લોકોની સુખાકારી બાબતે જુઓ, તો આર્થિક મુદ્દાઓ અગત્યના છે. તમારે આરસીઈપી (રીજનલ કોમ્પ્રીહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ) માં જોડાવું કે નહીં તેનો નિર્ણય લેવાનો છે, કઈ શરતોએ જોડાવાનું છે, એ બધા મુદ્દા તમારૂં ભવિષ્ય નિર્ધારિત કરશે, ત્રાસવાદ નહીં. નિખાલસપણે કહું તો ત્રાસવાદીઓને શક્તિ મળે છે કારણ કે આપણે તેમને શક્તિ, પ્રસિદ્ધિ આપીએ છીએ. પણ એ ઘટનાઓમાં શું બને છે કે કેટલાક લોકોનો તેમાં ભોગ લેવાય છે તેની વાસ્તવિક ગતિશાસ્ત્રની અસર ઘણી ઓછી છે. એવું કહેવું કે ત્રાસવાદ આપણા જીવનનો મુખ્ય મુદ્દો છે તેનાથી તો આંતરરાષ્ટ્રીય મંચ ઉપર આપણે અસહાય, ઘવાયેલા પ્રાણીઓની માફક રડતા રહેતા હોઈએ તેવું લાગે અને મને નથી લાગતું કે આવા દ્રશ્યો સર્જવા યોગ્ય હોય.
પ્રશ્નઃ હજી બે-ત્રણ દિવસ પહેલા જ હાલના એનએસએ અજિત ડોવલે કહ્યું હતું કે, મીડિયા દ્વારા ત્રાસવાદની ઘટનાઓનું કવરેજ બંધ કરાય તો એમને એવું લાગે કે, તેમના માટે ઓક્સિજનનો પુરવઠો ઓછો થઈ ગયો છે. તો પછી, શું સરકારને માટે પણ એ દેશના એક મહત્ત્વના મુદ્દા તરીકે સતત ઉછાળતા રહેવા બાબતે લાગું પડે નહીં?
મેનનઃહું માનું છું કે જાહેર મંચ ઉપર જે કોઈનો પણ મોટો અવાજ હોય, તેવી કોઈપણ અને દરેક વ્યક્તિને તે લાગું પડે છે. આપણે ત્રાસવાદીઓને તેઓ છે એના કરતાં મોટા કદના બતાવવા જોઈએ નહીં.
પ્રશ્નઃ પણ ત્રાસવાદ તો મુંબઈ ઉપરના 2008ના ત્રાસવાદી હુમલા પછી પણ મુખ્ય મુદ્દો હતો. આજે સરકારની દલીલ એવી છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે સતત ત્રાસવાદનો મુદ્દો ઉઠાવતા રહ્યા, તેની ટીકા કરતા રહ્યા તેના પરિણામે જ આપણે ત્રાસવાદના પ્રશ્ને પાકિસ્તાનને એકલું પાડી શક્યા અને મસુદ અઝહર ઉપર પ્રતિબંધ જાહેર કરાવવા તથા એફએટીએફ (ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ) દ્વારા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મુકવામાં સફળતા મેળવી શક્યા.
મેનનઃતમે યાદ કરો, મુંબઈ ઉપરના હુમલાની ઘટના લોકસભાની ચૂંટણીઓના છ મહિના પહેલા જ બની હતી. તો પણ, એ વખતના ચૂંટણી પ્રચારમાં ત્રાસવાદનો મુદ્દો ઉછાળાયો હતો? વિરોધ પક્ષે જાન્યુઆરી મહિનામાં બે વખત એ મુદ્દો ઉઠાવવાની કોશિષ કરી હતી, પણ બન્ને વખત લોકોએ એ મુદ્દાને જાકારો આપતા હોય તેવા પ્રતિભાવમાં જાણે એવો સંદેશો આપ્યો હતો કે, તમે શા માટે એક રાષ્ટ્રીય દુર્ધટનાના મુદ્દે રાજકારણ રમવા માંગો છો. આ જાકારો એટલો મજબૂત હતો કે, તે પછી એ ઘટનાનો ફરી ક્યારેય ઉલ્લેખ નહોતો કરાયો. એક ખરેખર નોંધપાત્ર બાબત હતી કે, મુંબઈના ત્રાસવાદી હુમલા જેવી ઘટના પછી ફક્ત છ મહિનામાં સંસદની ચૂંટણીઓ યોજાઈ હતી અને છતાં પ્રચાર ઝુંબેશમાં ત્રાસવાદનો ઉલ્લેખ નહોતો કરાયો. પ્રાથમિક રીતે આર્થિક મુદ્દાઓ ચૂંટણી પ્રચારમાં છવાયેલા રહ્યા હતા અને લોકોની સ્થિતિ બહેતર બની છે કે નહીં એ વિષે પ્રચારમાં ધ્યાન અપાયું હતું. બીજી વાત એ પણ છે કે, પાકિસ્તાનને એકલું પાડી દેવાયું છે, પણ તેને એકલું પાડી દેવાયું એ વાસ્તવિકતાની અસર તે દેશની વર્તણુંક એ પછી બદલાઈ છે કે નહીં, સારી થઈ છે કે નહીં તેના ઉપર સ્હેજે પડ્યાનું જણાતું નથી. પાકિસ્તાન પ્રત્યેનો અભિગમ એ વાત ઉપર આધારિત છે કે, તે વિશ્વના અન્ય દેશો, મહત્ત્વની સત્તાઓને માટે ઉપયોગી છે કે નહીં અથવા તો કેટલું ઉપયોગી છે તેના આધારે નક્કી થાય છે. ચીન, અમેરિકા, સાઉદી અરેબિયા માટે પાકિસ્તાન ઉપયોગી હોય તો એને એકલું પાડવામાં નથી આવતું. આજે અમેરિકા માટે પાકિસ્તાન ઉપયોગી છે, કારણ કે અમેરિકાને અફઘાનિસ્તાનમાંથી ખસી જવું છે અને પાકિસ્તાન એમાં પોતાને તાલિબાન સાથેની સોદાબાજીમાં મધ્યસ્થીની ઓફર કરીને ઉપયોગિતા સ્થાપિત કરી રહ્યું છે. ચીન માટે પાકિસ્તાન ઉપયોગી છે કારણ કે તેણે હિન્દ મહાસાગરમાં આવેલા પોતાના મૂળિયા, ગ્વાદર બંદરનો સીપીઈસી (ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર) માટે ઉપયોગ કરવા દેવાની ચીનને ઓફર કરી છે તેમજ શિનજિંઆંગ પ્રાંતમાં મુસ્લિમ ઉદ્દામવાદ સામેની કાર્યવાહીમાં પણ ચીન માટે તે સહાયક બન્યું છે. આ રીતે, પાકિસ્તાન પોતાની ઉપયોગિતાની ઓફર કરતું રહે છે. સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે પણ જ્યાં સુધી વિવાદો, વિખવાદો હશે ત્યાં સુધી પાકિસ્તાન મધ્યસ્થીની ઓફર કરતું રહેશે. ઈમરાન ખાન તાજેતરમાં જ ઈરાનની મુલાકાતે ગયા હતા. આ રીતે, પાકિસ્તાન પોતાના માટે કોઈક ભૂમિકાની શોધમાં રહ્યા કરે છે અને પોતાની ઉપયોગિતા દર્શાવે છે. આ રીતે, પાકિસ્તાન પોતાની મહત્તાનું વ્યૂહાત્મક મૂલ્ય વસૂલ કરે છે. અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ તેને આવી ભૂમિકા અદા કરવાની તક આપતી રહે ત્યાં સુધી તેના સંપૂર્ણપણે એકલા પાડવાની સ્થિતિ સર્જાવાની નથી. તે કેવી સારી રીતે કે ખરાબ રીતે અન્ય બાબતોમાં વર્તે છે એ હકિકતથી આ બાબતે કોઈ ફરક નહીં પડે. આ મુદ્દે આપણે સ્પષ્ટ રહેવાની જરૂર છે. આ મુદ્દે સફળતાનો દાવો કરવો એ થોડી ચતુરાઈ વિનાની વાત લાગે છે. આપણે જેની સામે કામ પાર પાડવાનું છે તે આવા કેટલાક ખૂબજ મોટા બળો, પરિબળો છે.
પ્રશ્નઃ ઈમરાન ખાન બૈજિંગમાં હતા તે વખતના ચીનના નિવેદનમાં કાશ્મીર અને સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના ઠરાવોનો ઉલ્લેખ હતો, તો મોદી અને શિ વચ્ચેની ચેન્નાઈ શિખર બેઠક પછીની સ્થિતિ અલગ હતી. આ મુદ્દે ચીન ઉપર વિશ્વાસ મુકી શકાય?
મેનનઃઆંતરરાષ્ટ્રીય સંબંધોમાં તમારે કોઈ ઉપર વિશ્વાસ રાખવાનો હોય નહીં. તમે ફક્ત એ વાત ઉપર ભરોસો મુકી શકો કે બધા જ દેશો પોતાના હિતો સાધવા, જાળવવાનું કામ કરશે. ખરેખર તો તાજેતરના ભૂતકાળમાં આપણે પાકિસ્તાન સાથેના આપણા સંબંધોની નવેસરથી વ્યાખ્યા નિર્ધારિત કરીને આપણે ફક્ત ચીન નહીં, બધા જ દેશોને ભારતીય ઉપખંડના રાજકારણમાં રમવા માટે એક પત્તું આપી દીધું છે. ભારતના પાકિસ્તાન સાથેના સંબંધોના મુદ્દે આપણે જમ્મુ અને કાશ્મીરના આંતરિક મુદ્દોને આપણે આંતરરાષ્ટ્રીય સ્વરૂપ લેવા દીધું છે, બીજાઓને તેમાં એક રીતે દખલની તક આપી છે. આ રીતે, ચીન હોય કે બીજો કોઈપણ દેશ, તેઓ એ જોવાનો પ્રયત્ન કરશે કે એમાંથી તેઓ શું લાભ લઈ શકશે. મોટી સત્તાઓ આવી રીતે જ વર્તતી હોય છે. તેઓ જે તે પરિસ્થિતિઓ તરફ નજર કરતી હોય છે, એમાં તેઓ પોતાના ક્યા હિતો સાધી શકે તેમ છે અને એમાંથી પોતે શું મેળવી શકે તેમ છે. આ રીતે, હું તો એવું માનું છું કે, તમામ લોકો પોતાના હિતો તર્કબદ્ધ રીતે સાધવા પ્રયાસરત રહે છે અને દરેકના હિતો એકસરખા નથી હોતા. એક યા બીજા શબ્દપ્રયોગો દ્વારા આવા મુદ્દાઓ સતત રમતા રહે છે. ક્યારેક તમે જમ્મુ અને કાશ્મીરનો કે સંયુક્ત રાષ્ટ્રોના ઠરાવોનો ઉલ્લેખ કરો, ક્યારેક ના કરો. ચીનના પ્રમુખ શિ જિનપિંગે ઈસ્માબાદની મુલાકાત લીધી ત્યાર પછી આપણે નિહાળ્યું છે કે, ચીનની પાકિસ્તાન પ્રત્યેની પ્રતિબદ્ધતામાં વધારો થયો છે. સીપીઈસી વિષેની ઘોષણા, 62 અબજ ડોલર્સ, પાકિસ્તાની તાબાના કાશ્મીરમાં ચીની શ્રમિકોની હાજરી, કાશ્મીર મુદ્દાનો સલામતી સમિતિમાં ઉલ્લેખ કરવા સહિત એ પ્રતિબદ્ધતામાં સ્પષ્ટ રીતે વધારો જ થતો જણાય છે. ઈમરાન ખાનની મુલાકાત દરમિયાનના નિવેદનો એવું કહેવામાં આવે કે સાચું શું છે અને ખોટું શું છે તે તદ્દન સ્પષ્ટ છે. આ બધું એવું સૂચવે છે કે, ચીન સાફસાફ પોતે કોની પડખે છે તે કહેવા માંગતું નથી અને એ બધું દર્શાવી આપે છે. આપણા અને એમના સંબંધોમાં આ એક આળી બાબત છે. આ વસ્તુ આપણે ઓળખવાની, સ્વિકારવાની છે અને તેની સાથે પનારો પાડવાનો છે. આપણે ભૂતકાળમાં એની સાથે સફળતાપૂર્વક કામ પાર પાડ્યું છે. આજે જમ્મુ અને કાશ્મીરમાં તમારી જે સ્થિતિ છે, જે વલણ છે, એને કઈં થવાનું નથી. પ્રશ્ન એ જ છે કે, તમે બાકીની દુનિયા સાથે કેવી રીતે નાતો જાળવો છો. દાખલા તરીકે, તમે અમેરિકાનું વલણ જુઓ. ગયા વર્ષે નવા વર્ષના પ્રસંગે ટ્રમ્પે પાકિસ્તાન માટે ખૂબજ આકરા શબ્દો કહ્યા હતા. હવે, ઈમરાન ખાન વ્હાઈટ હાઉસમાં પાછા આવકાર્ય બની ગયા છે. ટ્રમ્પે અનેકવાર મધ્યસ્થીની ઓફર કરી છે, કારણ કે પાકિસ્તાન તેમના માટે ઉપયોગી છે.