આ મુદ્દે ગૃહ પ્રધાન વાજિરા અભયવર્ધને કહ્યું કે, આ તમામ લોકો કાયદેસર રીતે શ્રીલંકા આવ્યા હતા, પરંતુ આતંકી હુમલા પછીની તપાસમાં ખબર પડી કે, અનેક લોકો વિઝા સમાપ્ત થઈ ગયા છે, છતાં શ્રીલંકામાં રહે છે. આ પ્રકારના લોકોને ડિપોર્ટ કરતા પહેલાં અમે તેમને દંડ પણ ફટકાર્યો છે. દેશની હાલની સુરક્ષાની સ્થિતિ જોઈને વિઝા સિસ્ટમની અમે સમીક્ષા કરી હતી.
વાજિરા અભયવર્દ્ધને કહ્યું કે, દેશમાં સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં લેતાં વિઝા પ્રણાલીની સમીક્ષા કરવામાં આવી અને ધાર્મિક શિક્ષકોના વિઝા પ્રતિબંધને કડક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, બહાર કરાયેલાં લોકોમાંથી 200 મૌલવીઓ છે. એટલું જ નહીં, સરકારે લોકોને અપીલ કરી છે કે, ઘરમાં રહેલાં તલવારો સહિતનાં હથિયારોનો ત્યાગ કરી દે. શ્રીલંકા પોલીસે હથિયારો નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા રવિવાર સુધીનો સમય આપ્યો છે.
આ આતંકી હુમલાને લઇને જમ્મુ કાશ્મીર પોલીસ વડા દિલબાગ સિંહે કહ્યું હતું કે, શ્રીલંકામાં ઈસ્ટર સન્ડેના બોમ્બ વિસ્ફોટોના હુમલાખોરો કાશ્મીર આવ્યા હોવાની કોઈ જ માહિતી નથી. શ્રીલંકાના દૂતાવાસથી પણ અમને કોઈ જ માહિતી નથી મળી. સોશિયલ મીડિયામાં આવેલા નામોના આધારે અમે ઈમિગ્રેશન રેકોર્ડની તપાસ કરી છે, પરંતુ તેઓ અહીં આવ્યાના કોઈ જ પુરાવા હાજર નથી.