કુવૈત: ભારતના 15 ડોકટર્સ અને આરોગ્ય સંભાળ વ્યાવસાયિકોની બનેલી ટીમ શનિવારે કુવૈત સરકારને કોરોના વાઈરસ સામેની લડતમાં મદદ કરવા કુવૈત પહોંચી હોવાનું વિદેશ પ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના કુવૈત સમકક્ષ શેખ સબાહ અલ-ખાલદ વચ્ચે વાતચીતના પગલે બંને નેતાઓ વૈશ્વિક રોગચાળા સામે સંયુક્ત રીતે પ્રયત્નો માટે સંમત થયા છે.
આ તબીબી ટીમ બે અઠવાડિયાના સમયગાળા માટે કુવૈતમાં રોકાઈ તેવી શક્યતા છે. તે દરમિયાન તેઓ પીડિત વ્યક્તિઓની પરીક્ષણ અને સારવાર અને તેમના કર્મચારીઓને તાલીમ આપવામાં તબીબી સહાય આપશે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે ટ્વીટ કર્યું હતું કે, "ભારતની રેપિડ રિસ્પોન્સ ટીમ કુવૈત આવી છે. #COVID-19 પર અમારા બંને વડાપ્રધાનો વચ્ચેની ચર્ચાને અનુસરીને ટીમ કુવૈત પહોંચી છે."