રાજપક્સાના નાના ભાઈ ગોટાબાયા નવેમ્બર 2019માં પ્રમુખ તરીકે જીત્યા હતા, ત્યારે તેમણે ભારતની મુલાકાત લીધી હતી. એ જ રીતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બીજી વાર વડા પ્રધાન બન્યા પછી શ્રીલંકાની મુલાકાત લઈને 'પડોશી પ્રથમ'ની વિદેશ નીતિનું અનુસરણ કર્યું હતું.
જોકે બંને ભાઈઓની મુલાકાત જુદી જુદી રહેશે, કેમ કે પ્રમુખ બનનારા નાના ભાઈ ગોટાબાયા રાજકારણ માટે નવા છે અને તેઓ પોતાની અલગ પ્રકારની છાપ ઊભી કરવા માગે છે. તેઓ વિદેશ નીતિમાં તટસ્થ દેખાવા માગે છે અને તેની પાછળ ઘણા કારણો પણ છે.
ગોટાબાયાના નજીકના સાથીઓનું કહેવું છે કે તેમના ભાઈની સરકારમાં સંરક્ષણ પ્રધાન તરીકે રહીને ગોટાબાયાએ ભારત સાથે સહકારથી કામ કર્યું હતું. લિબરેશન ટાઇગર્સ ઑફ તમિલ ઇલમ (એલટીટીઈ)ની સામેની લડાઈમાં ભારતે આપેલા સહકારને પણ તેમણે વખાણ્યું હતું. મે 2009માં લશ્કરી રીતે આખરે એલટીટીઈને હરાવી શકાયું હતું.
તેની સામે બીજી વાર વડા પ્રધાન બનેલા મહિન્દા સ્પષ્ટપણે ચીન તરફ ઢળેલા છે. અત્યારે શ્રીલંકાના વિદેશી સાથીઓની સંખ્યા ઓછી છે તે પણ જાણીતી વાત છે. શ્રીલંકા સામે યુદ્ધપશ્ચાતની જવાબદારી અંગેનો ઠરાવ સંયુક્ત રાષ્ટ્રસંઘના હ્મુમન રાઇટ્સ કમિશનમાં આવેલો ત્યારે ભારતે પણ ઠરાવને ટેકો આપ્યો હતો. તેનાથી ઘણાને નવાઈ પણ લાગી હતી.
બંને દેશોના સંબંધો બહુ વણસ્યા નહોતા, પણ તેમાં તણાવ જણાવા લાગ્યો હતો. બીજી વાર વડા પ્રધાન બન્યા પછી રાજપક્સાએ ચીન સાથે ઘણા નવા કરારો કર્યા છે. ખાસ કરીને વિકાસની યોજનાઓ માટે કરારો કર્યા છે. દક્ષિણ પ્રદેશોમાં પોતાના મતવિસ્તારોમાં મતદારોને પ્રભાવિત કરી શકાય તેવી યોજનાઓ તેમણે ચીનની મદદથી શરૂ કરી છે.
2015માં ચૂંટણીમાં હાર
જાન્યુઆરી 2015માં રાજપક્સાને ચૂંટણીમાં આશ્ચર્યજનક રીતે હાર મળી હતી. વિપક્ષમાં બેસવાનું આવ્યું ત્યારે મહિન્દા રાજપક્સાએ પોતાની હાર માટે ભારતને જવાબદાર ઠરાવ્યું હતું. ભારત સામે ચીન તરફનો તેમનો પક્ષપાત જાણીતો જ હતો, પણ આ રીતે ચૂંટણીમાં હાર માટે ભારતને જાહેરમાં તેમણે દોષ દીધો ત્યારે બંને વચ્ચેના સંબંધો વધારે ખરાબ થઈ ગયા હતા.
2017માં ભારતે અનુભવી તરનજિત સિંહ સંધુને શ્રીલંકામાં રાજદૂત તરીકે મૂક્યા હતા, જેથી બંને દેશો વચ્ચેના સંબંધો ફરીથી સારા થઈ શકે. તેમની નિમણૂક થઈ ત્યારે વિદેશી નીતિના જાણકારોએ કહ્યું હતું કે બંને દેશો વચ્ચે સંબંધોમાં ખટરાગ આવી છે અને ચીનનો પ્રભાવ આ વિસ્તારમાં વધી રહ્યો છે.
બીજી બાજુ રાજપક્સાએ પણ ચૂંટણીની હારને કારણે હતાશામાં આવીને જાહેરમાં નિવેદનો કર્યા અને ભારત સાથેના સંબંધો બગાડ્યા તે સુધારવા કોશિશ કરી હતી. તેઓ મૂળભૂત રીતે પીઢ અને તકવાદી રાજકારણી છે તેથી તેઓ જાણે છે કે ભારત સાથે સારા સંબંધો રાખવા જરૂરી પણ છે.