ન્યુઝ ડેસ્કઃ ન્યૂઝિલેન્ડમાં કોવિડ-19નો સૌ પ્રથમ કેસ 28 ફેબ્રુઆરીએ નોંધાયો હતો. ઇરાનથી મુસાફરી કરીને આવેલી એક મહિલાને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો. આ ઘટના સાંભળતાની સાથે જ જેસિન્ડા તાત્કાલિક સચેત થઇ ગયા હતા અને તદાનુસાર પગલાં લેવાનું શરૂં કરી દીધું હતું. તેમણે સૌ પ્રથમ એવો નિર્ણય લીધો કે આંતરરાષ્ટ્રીય મુસાફરોને સીધા કોરેન્ટાઇન સેન્ટરોમાં મોકલી આપવામાં આવે. તે સાથે તેમણે અધિકારીઓને થોડા દિવસ પહેલાં વિદેશોમાંથી આવેલા લોકોને શોધી કાઢવાનો આદેશ આપી દીધો. અધિકારીઓએ ચેપગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોને શોધવાનું શરૂ કરી દીધું. પરિણામ એ આવ્યું કે આ રોગચાળો વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ સ્થિતિને અંકુશમાં લઇ લેવાઇ.
જો કે અગમચેતીના તમામ જરૂરી પગલાં લેવાયા હોવા છતાં કોરોના વાઇરસ ખુબ જ ઝડપથી ફેલાઇ રહ્યો હતો. જેસિન્ડાએ સાવચેતીનાં વધુ પગલાં લેતાં દેશના લોકોને 15 માર્ચથી 14 દિવસ સુધી ઘરોમાં જ પૂરાઇ રહેવાની વિનંતી કરી, પરંતુ આ લોકડાઉન પૂરું થાય તે પહેલાં જ તેમણે 26 માર્ચના રોજ રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી. દેશના લોકોએ પણ તેમના નિર્ણયનું સમર્થન કર્યું. તેઓએ લોકડાઉનના તમામ નિયમોનું પ્રમાણિકતાથી પાલન કર્યું, અને ત્યારબાદ કોરોના વાઇરસનો ચેપ લાગ્યાના કેસોની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો નોંધાવાનો શરૂ થઇ ગયો. આ વાઇરસના રોગચાળાને નાથવાની તમામ યોજનાઓનો તે કડક રીતે પાલન કરાવતાં અને જેમ જેમ જરૂર પડે તેમ નવી નવી યોજનાઓ બનાવતા રહ્યાં. સરકારે આ વાઇરસના હોટસ્પોટ બની ગયેલા કેટલાંક વિસ્તારોને વિવિધ ક્લસ્ટર (ઝૂમખા)માં વિભાજીત કરી દીધા અને તે વિસ્તારો માટે એક વિશેષ વ્યૂહરચનાનો અમલ શરૂ કરી દીધો.