કાઠમંડુ: ગુરુવારે, દેશના નવા રાજકીય નકશાને અપનાવવા સંબંધિત નેપાળી સંસદના હાઈ ગૃહમાં બંધારણ સુધારણા બિલ પસાર કરવામાં આવ્યું છે. હવે આ બિલ મંજૂરી માટે રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે. નેપાળના નવા રાજકીય નકશામાં લીપુલેખ, કલાપાની અને લિમ્પીયાધુરાનો વિવાદિત વિસ્તાર બતાવવામાં આવ્યો છે, જ્યારે તે ભારતનો પ્રદેશ છે.
તેમ છતાં, આ વિવાદિત નકશા નેપાળની રાષ્ટ્રીય વિધાનસભાના બંને ગૃહો દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા છે, પરંતુ પડોશી દેશ નેપાળના આ એકપક્ષી પગલા પર ભારતે વાંધો ઉઠાવ્યો છે. ભારતે તેના નવા નકશામાં ભારતીય ક્ષેત્ર પર નેપાળના દાવાને અસ્વીકાર્ય ગણાવ્યા છે. ભારત નેપાળના આ વિવાદિત નક્શાનો વિરોધ કરતુ આવ્યું છે છતા નેપાળે તેના પર કોઇ જ ધ્યાન ન આપ્યું અને આખરે ભારતના જ કેટલાક હિસ્સાને પોતાનો બતાવી નક્શો જાહેર કરી દીધો. આ નક્શા માટેના બિલને નેપાળના કાયદા પ્રધાન ડો. શિવમાયા તુમ્બાડે પ્રતિનિધિ સભા એટલે કે સંસદના નીચલા ગૃહમાં રજુ કર્યું હતું. જેના સમર્થનમાં 258 મત પડયા હતા અને વિરોધમાં એક પણ મત નહોતો પડયો. એટલે કે નેપાળની સત્તાધારી અને વિરોધ પક્ષ બન્નેએ મળીને આ બિલને મોહર મારી દીધી છે અને ભારતના કેટલાક હિસ્સાને પોતાના જાહેર કરી દીધા છે.
બીજી તરફ નેપાળે ઉત્તરાખંડના પિથૌરાગઢમાં ભારત-નેપાળ સરહદની બાજુમાં સૈન્ય પ્રવૃત્તિઓ વધારી દીધી છે. બુધવારે નેપાળ આર્મી ચીફ પૂરણચંદ્ર થાપા અને નેપાળ બોર્ડર પોલીસ આઇજી શૈલેન્દ્ર ખનાલ નેપાળી આર્મીના હેલિકોપ્ટરમાં દાર્ચુલા પહોંચ્યા હતા. બંને અધિકારીઓએ નેપાળના છાંગરૂમાં બનાવેલી સૈન્ય ચોકીનું નિરીક્ષણ કર્યું હતું. બંને ઉચ્ચ અધિકારીઓએ હેલિકોપ્ટર દ્વારા ઉચ્ચ હિમાલયના વિસ્તારોનું નિરીક્ષણ પણ કર્યું હતું.
છાંગરૂ મિલિટરી પોસ્ટની સ્થાપના પછી નેપાળ આર્મી ચીફનું આ પ્રથમ નિરીક્ષણ છે. જ્યારે સરહદ પર નેપાળ આર્મીની પ્રવૃત્તિઓમાં વધારો થયા બાદ ભારતીય સૈન્ય એજન્સીઓ પણ સજાગ થઈ ગઈ છે. SSBએ ભારત-નેપાળ બોર્ડર પર પેટ્રોલિંગ વધારી દીધુ છે. ભારતીય સૈનિકો નદીના વિસ્તારમાં કોમ્બિંગ કરીને દરેક પ્રવૃત્તિ પર નજર રાખી રહ્યા છે.