ન્યૂઝ ડેસ્ક : નેપાળે તેની રસીકરણની ઝુંબેશ ૨૭ જાન્યુઆરીએ શરૂ કરી હતી. ભારતના સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા ઉત્પાદિત કૉવિશિલ્ડ રસીના દસ લાખ ડૉઝ મળ્યા પછી તરત જ તેણે આ અભિયાન શરૂ કર્યું હતું. ભારતે તેની 'રસી કૂટનીતિ' શરૂ કરી ત્યારે અનુદાન અથવા ભેટ રૂપે આટલી માત્રામાં રસી પૂરી પાડી હતી.
તરત જ નેપાળે સિરમ પાસેથી વધુ કૉવિશિલ્ડ ખરીદી અને કૉવેક્સ સુવિધા હેઠળ વધુ એસ્ટ્રાઝેનેકા રસી કાઠમંડુમાં આવી. કૉવેક્સ સુવિધા એ 'હૂ' નીત એક પહેલ છે જેનો હેતુ એકદમ ઓછા વિકસિત દેશોને રસી સુનિશ્ચિત કરવાનો છે.
આ બધાથી નેપાળ નબળા જૂથો જેમાં આરોગ્ય કામદારો, સુરક્ષા જવાનો, સરકારી અધિકારીઓ, રાજકારણીઓ, પત્રકારો અને ૬૫ વર્ષની ઉપરની ઉંમરના વૃદ્ધોનો સમાવેશ થાય છે તેના ૧૭ લાખ લોકોને રસી આપી શક્યું.
બીજા તબક્કામાં, નેપાળ કોરોના વાઇરસનો ચેપ જલદી લાગી શકે અને તેની જીવલેણ અસરો સામે નબળા પૂરવાર થઈ શકે તેવા વધુ લોકોને રસી આપવાની યોજના ધરાવે છે. આમાં પણ સૌ પ્રથમ તે ૫૫ વર્ષથી ઉપરની ઉંમરના લોકોને રસી આપવાની યોજના ધરાવે છે.
તે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા તરફથી કૉવિશિલ્ડ રસીના પૂરવઠાની રાહ જોઈ રહ્યું છે ત્યારે નેપાળ રસીનો તાજો પૂરવઠો મેળવવા ઉત્તરે ચીન સામે પણ મીટ માંડીને બેઠું છે.
નેપાળના આરોગ્ય પ્રધાન હૃદયેશ ત્રિપાઠી હમણાંથી કાઠમંડુમાં ભારત અને ચીન સાથે મંત્રણા યોજવામાં વ્યસ્ત રહ્યા છે. તેઓ કહે છે કે સરકાર તેના ઉત્તરીય પડોશી પાસેથી ભેટ રૂપે મેળવી રહેલ ચીનની ફાર્મા કંપની દ્વારા વિકસાવાયેલી રસીઓના આઠ લાખ ડૉઝને લાવવા આ સપ્તાહે ચીનમાં એક વિમાન મોકલી રહી છે.
પરંતુ તે પૂરતું ન પણ બને કારણકે નેપાળ એક વર્ષમાં તેના લગભગ ત્રણ કરોડ લોકો પૈકી બે કરોડ લોકોને રસી આપવાની યોજના ધરાવે છે. તેનો અર્થ એ થાય છે કે દેશની સમગ્ર વસતિમાં ૧૮ વર્ષ કે તેથી ઓછી ઉંમરના લોકોને બાદ કરતાં તમામ લોકોને આવતા જાન્યુઆરી સુધીમાં રસી મળી જવી જોઈએ.
આરોગ્ય પ્રધાન હૃદયેશ ત્રિપાઠી માને છે કે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા નેપાળને તેની કૉવિડ-૧૯ વિરોધી રસી સંબંધિત યોજના સાકાર કરવામાં મદદ કરી શકે છે. તેમણે ડિજિટલ સમાચારપત્ર setopati.com ને જણાવ્યું કે, "જ્યાં સુધી રસીના પૂરવઠાને સંબંધ છે ત્યાં સુધી, નેપાળના સિરમ સાથે લાંબા સમયથી સંબંધ છે. તેણે ભૂતકાળમાં પણ અમને રસીઓ પૂરી પાડેલી છે અને અમને આશા છે કે તે આ સમયે પણ કૉવિશિલ્ડ રસી પૂરતા પ્રમાણમાં પૂરી પાડી શકશે."
અને નેપાળ આ રસી વાજબી ભાવે મેળવવા ઈચ્છે છે. શરૂઆતમાં સિરમે નેપાળને ચાર અમેરિકી ડૉલર પ્રતિ ડૉઝના ભાવે કૉવિશિલ્ડ પૂરી પાડી હતી. અધિકારીઓને લાગે છે કે અન્ય રસીઓની સરખામણીમાં આ વાજબી ભાવ છે.
અને તે વધુ કૉવિશિલ્ડ પૂરવઠાની રાહ જોઈ રહ્યું છે ત્યારે, નેપાળના આરોગ્ય અધિકારીઓ એ વાતે થોડા દુઃખી છે કે કૉવિશિલ્ડ રસી મોંઘી થઈ રહી છે. હવે કૉવિશિલ્ડ રસીનો ભાવ નેપાળ જેનો આદેશ આપવા ઈચ્છે છે તે નવા માલ માટે પાંચ અમેરિકી ડૉલર પ્રતિ ડૉઝ કરાઈ રહ્યો છે.
"તે પહેલાં કરતાં મોંઘું છે કારણકે પૂરું પાડનાર ઍજન્ટ માટે ૧૦ ટકા કમિશનનો ચાર્જ છે," તેમ આરોગ્ય પ્રધાન ત્રિપાઠીએ જણાવતા ઉમેર્યું હતું કે "અમે એ કમિશન ચાર્જને અવગણવા પ્રયાસ કરી રહ્યા છીએ. આથી થોડો વિલંબ થઈ રહ્યો છે."
૧૫ માર્ચની સ્થિતિએ નેપાળે ૨૨ લાખ પીસીઆર ટેસ્ટ હાથ ધરી લીધા છે અને ત્યાં ૨,૭૫,૦૦૦ પુષ્ટ થયેલા કોરોના વાઇરસના કેસો છે અને મૃત્યુ આંક ૩,૦૧૪ છે. હવે કોરોના વાઇરસના નવા કેસો મુખ્યત્વે ભારત અને અન્ય દેશોથી પાછા ફરી રહેલા લોકોમાં મળી રહ્યા છે ત્યારે બીજી લહેરનો ભય મોટા પાયે તોળાઈ રહ્યો છે.
-સુરેન્દ્ર ફુયાલ, કાઠમંડુથી