કુલભૂષણ જાધવના કેસમાં પાકિસ્તાન સરકારે આર્મી કોર્ટનો ચુકાદો બદલવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય આંતરરાષ્ટ્રીય ન્યાય કોર્ટ દ્વારા જાહેર કરેલા આદેશને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, પાકિસ્તાન દ્વારા લેવામાં આવેલા નિર્ણય બાદ કુલભૂષણ જાદવ પાકિસ્તાની સિવિલ કોર્ટમાં અપીલ કરી શકે છે. આ માટે સેનાના કાયદામાં એક વિશેષ સંશોધન કરવામાં આવશે.
આ પહેલાં સૈન્યના કાયદા મુજબ આવા વ્યક્તિને સિવિલ કોર્ટમાં અપીલ કરવાનો અધિકાર મળતો નહોતો, જેના વિરૂદ્ધ સૈન્ય કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જુલાઇમાં આંતરરાષ્ટ્રીય ન્યાય કોર્ટે જાધવ કેસમાં 15-1 વોટથી ભારતના આ દાવાને સાચો ઠેરવ્યો કે, પાકિસ્તાન કાંસુલર સંબંધમાં વિયના કન્વેન્શનનું ઉલ્લંઘન કરી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય કોર્ટે ઈસ્લામાબાદને જાધવની સજામાં સમીક્ષા અને પુનર્વિચાર કરવા માટે આદેશ આપ્યો છે.
3 માર્ચ,2016ના દિવસે પાકિસ્તાની સુરક્ષા બળ દ્વારા બલુચિસ્તાનથી જાધવની ધરપકડ કરવામાં આવી હતી. ઈસ્લામાબાદ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, જાધવ ગેરકાયદે ઈરાનમાંથી પ્રવેશ કરી રહ્યા હતાં.
જાધવ પર લગાવવામાં આવેલ જાસૂસીનો આરોપ ભારતે ફગાવી દીધો હતો. ભારતે કહ્યું કે જાધવનું ઈરાનના ચાબહાર બંદરથી અપહરણ કરવામાં આવ્યું હતું, ત્યાં તેઓ વ્યવસાય કરી રહ્યા હતાં.