ઈમરાન ખાને ગુરૂવારના રોજ ટ્વિટ કરીને કહ્યું કે, અમે કમાંડર કુલભૂષણ જાધવને આઝાદ ન કરવા તેમજ ભારત પરત નહીં મોકલવાના આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના નિર્ણયની સરાહના કરીએ છીએ. તે પાકિસ્તાન વિરુદ્ધ કરવામાં આવેલા અપરાધ માટે દોષી છે. પાકિસ્તાન આ બાબતે યોગ્ય કાનૂની કાર્યવાહી કરશે અને આગળ વધશે.
જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સમગ્ર દેશે કુલભૂષણ જાધવ કેસમાં બુધવારના રોજ આવેલા આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (ICJ) ના નિર્ણયનું સ્વાગત કર્યું છે. જાસૂસીના આરોપમાં પાકિસ્તાનની અદાલત તરફથી જાધવને સંભળાવવામાં આવેલી ફાંસીની સજા પર ICJએ પ્રતિબંધને યથાવત રાખ્યો છે.
કુલભૂષણ પર ICJ ના આ નિર્ણયને ભારતની સૌથી મોટી જીતના રૂપમાં જોવામાં આવી રહ્યો છે. કારણ કે, ICJ એ પોતાના આદેશમાં પાકિસ્તાનના જાધવને ફાંસી નહીં આપવાનો આદેશ આપતા સૈન્ય અદાલતના સંભળાવવામાં આવેલા નિર્ણય પર ફરીથી વિચાર કરવા માટે કહ્યું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે ICJ ના આદેશનું સ્વાગત કરીએ છીએ, સત્ય તેમજ ન્યાયની જીત થઈ છે. અમારી સરકાર દરેક ભારતીયની સુરક્ષા તેમજ કલ્યાણ માટે હંમેશા કામ કરશે. તો બીજી તરફ ભૂતપુર્વ વિદેશ પ્રઘાન સુષ્મા સ્વરાજે પણ ICJ ના આદેશનું સ્વાગત કરતા આ બાબતને ભારત માટેની સૌથી મોટી જીત ગણી છે.
આ સિવાય કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ કહ્યું કે, કુલભૂષણ જાધવ કેસ બાબતે ખુશી થઈ. આખરે ન્યાયની જીત થઈ અને સમગ્ર ભારત તેમના પરીવારની ખુશીમાં સામેલ છે.