ગુજરાત

gujarat

ETV Bharat / international

કબજા હેઠળના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાને વસતિ બદલી નાખી - શિયા મુસ્લિમો

લૉ એન્ડ સોસાયટી અલાયન્સ સંસ્થાના અહેવાલમાં ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાને કેવી રીતે વસતિની તરાહ બદલી નાખી તેનો ચોંકાવનારી વિગતો છે. જમ્મુ અને કાશ્મીર તથા પાકિસ્તાનના કબજાના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં માનવ વિકાસ અને માનવ અધિકાર વિશેના અહેવાલમાં જણાવ્યા અનુસાર 1988માં સ્થાનિક સંસ્કૃતિ અને વંશીય સ્થિતિને સૌથી વધુ નુકસાન થયું હતું. પાકિસ્તાની સેના અને કાશ્મીર બાબતોના પ્રધાનના ટેકા સાથે ઉગ્રવાદીઓએ આ વિસ્તારમાં આક્રમણ કર્યું હતું અને હજારોને મારી નાખ્યા હતા.

Gilgit-Baltistan
ગિલગિટ-બાલ્ટિસ્તાન

By

Published : Sep 2, 2020, 10:30 AM IST

નવી દિલ્હી/વૉશિંગ્ટન: શિયા વસતિ ધરાવતા ગિલગિટ-બાલ્ટિસ્તાન (G-B) પર પાકિસ્તાને કબજો જમાવ્યો ત્યારથી વસતિમાં ફેરફાર કરવાનું શરૂ કરી દીધું હતું અને એક સમયે 80 ટકા વસતિ શિયા હતી, તે આજે માત્ર 39 ટકા રહી ગઈ છે.

નવી દિલ્હીસ્થિત એન. સી. બિપીન્દ્રની આગેવાની હેઠળની થિન્ક ટૅન્ક લૉ એન્ડ સોસાયટી અલાયન્સના જણાવ્યા અનુસાર G-Bમાં હવે 15 લાખની વસતિ છે, તેમાંથી શિયા માત્ર 39ટકા રહ્યા છે, 27 ટકા સુન્ની છે, 18 ટકા ઇસ્માઇલી છે અને 16 ટકા નુરબક્ષી છે.

અગાઉ આ વિસ્તારમાં 80 ટકા વસતિ સાથે શિયાઓની બહુમતી હતી.

1998માં થયેલી છેલ્લી વસતિ ગણતરી વખતે G-Bમાં 8,70,000 લોકો વસતા હતા.

એક જમાનામાં આ પ્રદેશ વંશીય, સાંસ્કૃત્તિક અને ભાષાકીય વૈવિધ્ય ધરાવતો હતો, પરંતુ સાત દાયકાના પાકિસ્તાની સેનાના શોષણ પછી સ્થિતિ બદલાઈ ગઈ છે.

સંસ્થાના અહેવાલ 'હ્યુમન લાઇવ્સ મેટર: અ કમ્પેરિટિવ સ્ટડી એન્ડ અનૅલિસિસ ઑફ હ્મુમન ડૅવલપમેન્ટ એન્ડ હ્મુમન રાઇટ્સ ઇન J&K અને PoJK/G-B'માં જણાવ્યા અનુસાર પ્રદેશની સંસ્કૃત્તિ અને વંશીય રચનાને સૌથી મોટું નુકસાન 1988માં થયું હતું. પાકિસ્તાની સેના અને કાશ્મીર બાબતોના પ્રધાનની આગેવાની હેઠળ ત્રાસવાદીઓએ અહીં હુમલા કરી હજારોને મારી નાખ્યા હતા.

તેને 'ગિલગિટ હત્યાકાંડ' તરીકે ઓળખવામાં આવે છે, જે 16 દિવસ સુધી ચાલ્યો હતો. 14 જેટલા ગામોને સળગાવી દેવાયા હતા અને મહિલાઓ પર અત્યાચાર થયા હતા.

"લોકોને તેમના ઘરમાં જ જીવતા સળગાવી દેવાયા હતા - તેમની ધાર્મિક માન્યતાને કારણે આવું થયું હતું," એમ અહેવાલમાં જણાવાયું છે. 2013 સુધીમાં પાકિસ્તાન પ્રેરિત સુન્ની ઉગ્રવાદીઓએ 3,000 શિયાઓની હત્યા કરી નાખી હતી.

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર ઓબ્ઝર્વરના 2013ના અહેવાલમાં G-B વિશેના પ્રકરણમાં જણાવાયું હતું કે 1988થી શરૂ થયેલા વંશીય તોફાનોમાં 3,000ની કતલ થઈ છે.

900 મહિલાઓ વિધવા થઈ હતી અને 2500થી વધુ બાળકો અનાથ બન્યા હતા એમ અહેવાલમાં જણાવાયું હતું.

અહેવાલમાં જણાવાયું હતું કે, "સંપત્તિને થયેલું નુકસાન માપવું મુશ્કેલ છે".

શિયા મુસ્લિમોને ખતમ કરવા માટે 16 ઑગસ્ટ, 2012ના રોજ મોટો હુમલો થયો હતો. એક ડઝન ત્રાસવાદીઓએ બસ અટકાવી અને તેના 19 મુસાફરો, જેમાંના મોટા ભાગના શિયા હતા તેમને નીચે ઉતારીને ફૂંકી દીધા હતા.

છ મહિનામાં સામુહિક હત્યાનો આ ત્રીજો બનાવ હતો. તે પછીય આવા હત્યાકાંડ થતા રહ્યા હતા.

આવા જ એક બનાવમાં 28 ફેબ્રઆરી, 2012ના રોજ ઇરાનની યાત્રાએથી પરત આવી રહેલા 18 શિયાઓને કારાકોરમ હાઇવે પર કોહિસ્તાન જિલ્લામાં ખુલ્લેઆમ ઠાર કરી દેવાયા હતા.

તે પછી ત્રીજી એપ્રિલે આવો જ હુમલો થયો અને ચિલાસમાં 20 લોકોને મારી નખાયા.

સમગ્ર પાકિસ્તાનમાં શિયાઓ પર આવા હિંસક હુમલાઓ થતા રહે છે.

G-B વિસ્તારમાંથી બહાર ગયેલા શિયાઓની પણ હત્યા થાય છે. ગિલગિટ અને ચિલાસમાં ત્રીજી એપ્રિલે હત્યાકાંડ પછી છઠ્ઠી એપ્રિલે ક્વેટામાં બે શિયાની હત્યા થઈ અને તે જ દિવસે કરાચીમાં અહમદ અબ્બાસ નામના G-Bના શિયા વિદ્યાર્થીની હત્યા થઈ.

શિયાઓની હત્યાના વિરોધમાં મજલિસ-એ-વહાદતુલ મુસ્લિમીન (MWM)ના અલ્લામા અસગર અસ્કરી કહે છે, "નિશાન બનાવીને થઈ રહેલી હત્યાઓથી સમગ્ર શિયા સમુદાય આઘાતમાં છે. સરકારને સિંઘમાં મરી રહેલા મોરની ચિંતા છે, પરંતુ ત્રાસવાદીઓ લોકોને મારી નાખે છે તેની પરવા નથી."

આ પ્રદેશોમાં જાતિનિકંદન ઉપરાંત ઝિયા-ઉલ-હકના શાસનમાં પાકિસ્તાની સરકાર અને સેનાએ વસતિની તરાહ બદલી નાખવા માટે સતત પ્રયાસો કર્યા હતા, એમ અહેવાલમાં જણાવાયું હતું.

1980ના દાયકા પછી પંજાબ અને ખૈબર પખ્તુનવા જેવા પ્રભાવી સુન્ની રાજ્યોમાંથી લોકો આ પ્રદેશમાં ઘૂસવા લાગ્યા હતા અને ત્યાં વેપાર અને સંપત્તિ જમાવવા લાગ્યા હતા.

સંશોધક અને કાર્યકર સેમ્યુઅલ બૈદ કહે છે, "બહાર લોકોના આગમનથી બે સમસ્યાઓ ઊભી થઈ હતી. સ્થાનિક લોકોની રોજગારી ઘટી અને સાંપ્રદાયિક ત્રાસ વધ્યો. બહારથી આવેલા લોકોએ જમીનો અને સરકારી નોકરીઓ કબજે કરી. જંગલો અને સ્રોતોનો વિનાશ કર્યો. G-Bના વિકાસ માટે ફાળવાતા ફંડનો ઉપયોગ ત્યાં લશ્કરી મથકો ઊભા કરવા થાય છે".

પાકિસ્તાની સેનાના સહયોગ સાથે ત્રાસવાદી છાવણીઓ ઊભી કરવામાં આવી હતી. સિપાહે સહાબા પાકિસ્તાન ત્રાસવાદી ટોળકીના સેંકડો સુન્ની જેહાદીઓને છાવણીઓમાં ભાંગફોડની તાલીમ આપવામાં આવતી હતી. એ જ ટોકળીના ત્રાસવાદીઓ આજે આ વિસ્તારમાં બેફામ ફરે છે અને શિયા મુસ્લિમોની હત્યા કરે છે.

G-Bમાં થયેલા તોફાનોમાં વિદેશી તાકતોનો હાથ હતો તેવા પાકિસ્તાની સરકારના દાવાને નકારી કાઢીને હુસૈન અશગર કહે છે: "મને નથી લાગતું કે પંથીય હિંસામાં કોઈ વિદેશી હાથ હોય."

પાકિસ્તાનમાં બીજા પંથના લોકોનો સફાયો થઈ રહ્યો છે, તેમાં શિયા, ઇસ્માઇલી અને નુરબક્ષીઓનો ભોગ લેવાઈ રહ્યો છે. એટલું જ નહિ ઉદારવાદી સુન્ની મુસ્લિમોને પણ ખતમ કરી દેવામાં આવે છે. આ પ્રદેશમાં સરકાર અને સેના વંશીય નિકંદન કાઢી રહી છે તેનો વિરોધ કરનારા સુન્નીઓની પણ હત્યા થાય છે એમ અહેવાલ જણાવે છે.

સ્થાનિક લોકો વર્ષોથી ફરિયાદ કરી રહ્યા છે કે તેમના વિસ્તારમાં તાલિબાનો ઘૂસી ગયા છે. વઝિરિસ્તાનના તાલિબાનીઓ અહીં આવીને હુમલા કરે છે અને જેહાદીઓને અહીં આશરો આપે છે, જેને પાકિસ્તાની સેનાના સલાફી તત્ત્વો ટેકો આપે છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘની માનવ અધિકાર કાઉન્સિલની 13મી બેઠકમાં બલવારિસ્તાન નેશનલ ફ્રન્ટના અબ્દુલ હમીદ ખાને કહ્યું હતું: "સ્થાનિક મીડિયા નથી અને સ્વતંત્ર ન્યાયપાલિકા નથી તેથી દાયકાઓથી G-B વિસ્તારમાં માનવ અધિકારોનો ભંગ થઈ રહ્યો છે તેને છુપાવવામાં ઇસ્લામાબાદને ફાવતું આવ્યું છે."

1974માં સ્ટેટ સબ્જેક્ટ રુલ G-Bમાં નાબુદ કરી દેવાયો અને તેની સામે ગિલગિટ-બાલ્ટિસ્તાન એમ્પાવરમેન્ટ એન્ડ સેલ્ફ ગવર્નન્સ ઓર્ડર 2009માં લવાયો. તેના દ્વારા સ્થાનિક લોકોના હાથમાંથી જમીનના હકો છીનવીને પાકિસ્તાનથી આવેલા વસાહતીઓને વસાવી દેવાયા.

પાકિસ્તાની સેના, મોટી કંપનીઓ અને રાજકારણીઓએ આ વિસ્તારમાં મોટા પાયે જમીનો કબજે કરી છે અને વિશાળ અને વૈભવી આવાસો ઊભા કર્યા છે.

આવી રીતે જમીન ખરીદનારામાં વડા પ્રધાન ઇમરાન ખાન, ભૂતપૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફ, સેનેટર તાલ્હા મહમૂદ અને હમીદ ગુલ સહિતના અનેકનો સમાવેશ થાય છે.

ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના કામકાજ માટે આ વિસ્તારમાં આવેલા અનેક ચીની નાગરિકો પણ હવે G-Bમાં જ સ્થાયી થઈ ગયા છે.

2010ના સ્ટ્રેટફોર અહેવાલ અનુસાર આ પ્રોજેક્ટની સુરક્ષા માટે 7,000થી 11,000 PLA સૈનિકો અહીં છે. આગામી દાયકામાં ચીનાઓની સંખ્યા અહીં વધી જવાની છે.

CPECના પ્રોજેક્ટ પર કામ કરવા માટે વગદાર લોકોને, માથાભારે લોકોને અને નિવૃત્ત સૈન્ય અધિકારીઓને અહીં લાવવામાં આવે છે. તેના કારણે ધીમે ધીમે આ વિસ્તારમાંથી શિયાઓનો ખાત્મો બોલી રહ્યો છે.

પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં પણ છેક 1971થી જ પાકિસ્તાની સરકાર વસતિમાં બદલાવ કરવાની ફિરાકમાં છે.

1971ના એક લેખમાં યુકેસ્થિત મોહમ્મદ બશીર આસિફે લખ્યું હતું કે કઈ રીતે કબજા હેઠળના આ વિસ્તારમાં બહાર લોકોને વસાવવામાં આવી રહ્યા છે.

સરકારી અને બિનસરકારી રાહે અહીં વસાહતો ઊભી થઈ રહી છે. બિનકાશ્મીરી લોકોને અહીં લાવીને વસાવવામાં આવી રહ્યા છે.

આ વિસ્તારમાં વિકાસના કાર્યો થાય ત્યારે તેના કોન્ટ્રેક્ટ સેનાના લોકોને આપવામાં આવે છે. બાદમાં તેના કામદારો પણ અહીં વસી જાય છે. સ્થાનિક મજૂરોને કોઈ હકો આપવામાં આવતા નથી. તેની સામે સેનાના સૈનિકોને કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં વસાવવામાં આવે છે, જેથી અંકુશ રેખાની આસપાસના વિસ્તારમાં ભારત સામેના ઘર્ષણ વખતે તેમનો ઉપયોગ કરી શકાય.

G-Bના શિયાઓ ઉપરાંત આ વિસ્તારના શિયાઓનું પણ નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. શિયા સમુદાય પર અડધો ડઝનથી વધુ સામુહિક હત્યાકાંડના બનાવો નોંધાયેલા છે.

શિયા લોકોના વિસ્તારમાં હુમલા થાય છે. અમુક કિસ્સામાં શિયાઓનું સરઘસ નીકળ્યું હોય તેના પર હુમલા થયેલા છે. સુન્ની ટોળકીઓ ભેગી થઈને શિયાઓના ઝૂલુસ પર હુમલો કરે છે એમ અભ્યાસમાં જણાવાયું છે.

ABOUT THE AUTHOR

...view details