કાબુલઃ વિશ્વ જ્યારે કોરોના વાઇરસના નિવારણ માટે કામ કરી રહ્યું છે તે સમયે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલા એક ગુરૂદ્વારા પર કાયરતાપૂર્ણ હુમલો થયો છે. અરદાસ માટે જમા થયેલા શીખ સમુદાયના લોકો પર આતંકીઓએ અંધાધુંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ હુમલામાં 11 લોકોના મોત થયા છે. જ્યારે 16 લોકો ઘાયલ થયા છે. હુમલા બાદ અફઘાન સુરક્ષાકર્મી અને વિદેશી સુરક્ષાદળો હરકતમાં આવ્યા હતા. આશરે છ કલાક સુધી ચાલેલી આ અથડામણમાં તમામ 4 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી છે. બીજી તરફ તાલિબાને ટ્વીટ કરીને જણાવ્યું કે, હુમલામાં તેનો કોઈ હાથ નથી.
આ હુમલો સવારે થયો હતો. ગુરૂદ્વારામાં કેટલાક નાના બાળકો પણ હાજર હતા જે હુમલો અને ત્યારબાદ થયેલા એન્કાઉન્ટરના સમયે ગુરૂદ્વારામાં ફસાયા હતા. દરેક ચીસો પાડી રહ્યાં હતા. સુરક્ષાદળોએ જ્યારે તેને બહાર કાઢ્યા, ત્યારે તેના ફેસ પર ડર સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો હતો.