બેજિંગઃ ચીનમાં ઘાતક કોરોના વાયરસથી વધુ 97 લોકોના મોત થયા છે. કોરોના વાયરસના કહેરથી મૃત્યુઆંક 2592 પર પહોંચ્યો છે. જેની વચ્ચે વિશ્વ સ્વાસ્થય સંગઠને (WHO) વિશેષજ્ઞોએ આ વાયરસથી સૌથી વધુ પ્રભાવિત થયેલા હુબેઇ પ્રાંતની રાજધાની વુહાનની મુલાકાત કરી હતી. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થય આયોગે (NHC) જણાવ્યું હતું કે, 31 પ્રાંત સ્તરીય ક્ષેત્રોમાં શનિવારે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 2592 થઇ છે અને સંક્રમણની સંખ્યા વધીને 77150 સુધી પહોંચી છે.
આ મામલે મૃત્યુના વધુ 97માંથી 96 લોકો હુબેઇ પ્રાંતના હતા અને એક વ્યક્તિનું મોત ગુઆંગદોંગમાં થયું હતું. જ્યારે વિષાણુ સંક્રમણના 648 નવા કેસ સામે આવ્યાં છે. શનિવારે 2230 લોકોના ઇલાજ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જો કે, તે જ દિવસે સામે આવેલા નવા કેસની સંખ્યા વધુ છે.