“એશિયામાં ઓસ્ટ્રેલિયા અને ભારત નજીકના દોસ્તો શા માટે ના બની રહે તે માટેના કોઈ કારણો નથી. એવા કોઈ જ અવરોધો નથી. થોડા મુદ્દા છે તે દૂર ના કરી શકાય તેવા નથી. આપણા અભિગમ સમાન છે. ઇન્ડો-પેસિફિકમાં આપણે ભાગીદારી મજબૂત કરી રહ્યા છીએ ત્યારે ભારત માટે ઓસ્ટ્રેલિયાથી વધારે સારો કોઈ મિત્ર ના હોઈ શકે અને અમે પણ ભારતને નીકટનું મિત્ર ગણીએ છીએ,” એમ સંધુએ વિદેશી બાબતોના તંત્રીઓ સાથે વાતચીતમાં કહ્યું હતું.
નૌકા દળના જહાજો માટે સુવિધાઓના ઉપયોગ માટે સહકાર અંગે તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં તેના કરાર થશે. આ પ્રકારના કરાર ભારતે અમેરિકા, ફ્રાન્સ અને સિંગાપોર સાથે કરેલા છે. ગયા નવેમ્બરમાં જાપાન સાથે પણ આ બાબતમાં વાટાઘાટો આગળ વધી છે. જાપાન બાદ ઓસ્ટ્રેલિયા સાથે પણ નૌકા દળ અંગે સહયોર કરાર થયા પછી પૂર્વમાં પણ ભારતની માનવીય સહાય અને આપત્તિમાં સહાયની કામગીરી મજબૂત બનશે.
આ મહિને રાઇસીના ડાયલોગ્ઝમાં ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન હાજર રહી શક્યા નહોતા. તેઓ હવે જુલાઈમાં ભારત આવે ત્યારે આ અંગેના કરાર થવાની શક્યતા છે.
‘ઇન્ડો-પેસિફિક સહકાર ચીન સામે નથી’
ઓસ્ટ્રેલિયાની ઇન્ડો-પેસિફિક સ્ટ્રેટેજી ASEANને કેન્દ્રમાં રાખીને છે, આ વિસ્તારમાં સહકાર અને વેપારી ભાગીદારી માટે છે અને અમેરિકા સાથેના સહયોગમાં છે એમ ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનરનું કહેવું હતું. આ નીતિ ચીનને કાબૂમાં રાખવા માટે નથી એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.
“અમે ઇચ્છીએ છીએ કે ઇન્ડો-પેસિફિક મુક્ત રહે, દેશો સાર્વભૌમ રહે અને સ્થિર તથા સમૃદ્ધ રહે. આ બાબતમાં ભારતને કંઈ વાંધો હોય તેમ મને લાગતું નથી,” એમ સંધુએ કહ્યું હતું.
રશિયાના વિદેશ પ્રધાન લેવરોવે રાઇસીના ડાયલોગ્ઝ દરમિયાન એવું કહ્યું હતું કે ઇન્ડો-પેસિફિક અમેરિકા પ્રેરિત છે અને ચીનને કાબૂમાં રાખવા માટે છે. તે વિશે સંધુએ કહ્યું કે “જરૂરી નથી કે એક દેશના પ્રભુત્વ સાથેનો આ કન્સેપ્ટ હોય. તેમાં કોઈને બાકાત રાખવાનો કે સામેલ કરવાનો કન્સેપ્ટ પણ નથી. આપણા પ્રદેશ માટેનો આ એક વ્યૂહ છે અને ભૌગોલિક રીતે ચીન ઇન્ડો-પેસિફિકનો ભાગ છે.”
અમેરિકા અને જાપાન સાથેની નૌકા દળની સંયુક્ત કવાયતમાં ઓસ્ટ્રેલિયાને પણ જોડવા માટે ભારત તૈયાર થઈ જશે એવા અહેવાલો વિશે તેમણે કહ્યું કે, “મલાબાર એક્સસાઇઝ માટે ભારત આમંત્રણ આપે તો ઓસ્ટ્રેલિયા સ્વીકારે તેવી પૂરી શક્યતા છે.”
‘પાકિસ્તાને FATF ધોરણો હજી પાળ્યા નથી’
આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાંની હેરફેર અને ત્રાસવાદને ભંડોળના મામલે નજર રાખતી સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) દ્વારા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂકાયું છે. તેને બ્લેક લિસ્ટ કરાય તેના બદલે ગ્રે લિસ્ટમાંથી મુક્ત કરાય તેવી શક્યતા વિશે વાત કરતાં ઓસ્ટ્રેલિયાના પ્રતિનિધિએ કહ્યું કે આ વિશે તેઓ ટેક્નિકલ એસેસમેન્ટ કરશે.
જોકે તેમણે ઉમેર્યું કે હાલના તબક્કે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખવામાં આવે તેમ ઓસ્ટ્રેલિયા ઇચ્છે છે, કેમ કે અગાઉની બેઠકોમાં રાખવામાં આવેલી ઘણી શરતોનું પાલન હજી થયું હોય તેમ લાગતું નથી.
“FATFની દરેક બેઠકમાં ઓસ્ટ્રેલિયાએ ટેક્નિકલ એપ્રોચ લીધેલો છે. આપણે જે હાંસલ કરવા માગીએ છીએ તેના માટે આ સૌથી યોગ્ય માર્ગ છે. પાકિસ્તાન નિયમોનું પાલન કરે તેમ આપણે ઇચ્છીએ છીએ, તેથી પાકિસ્તાને કેટલું પાલન કર્યું તેનો ટેક્નિકલ એપ્રોચ અમે લઈએ છીએ,” એમ તેમણે કહ્યું હતું.