બગદાદ: બગદાદમાં અમેરિકી એમ્બેસી પાસે હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકી સેનાના અધિકારીને ખ્યાલ આવે તે અગાઉ હુમલો કરી દેવામાં આવ્યો છે. ઓક્ટોમ્બર 2019 બાદ અમેરિકી ઠેકાણા પરના હુમલાની આ 19મી ઘટના છે. ગત શુક્રવારે પણ ઇરાકમાં અમેરિકના સૈન્યના ઠેકાણે રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો.
સ્થાનિક મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, હુમલા પહેલાં ગ્રીન જોન વિસ્તારમાં એરક્રાફ્ટ પણ જોવા મળ્યાં હતા. જો કે, હજુ સુધી કોઈએ હુમલાની જવાબદારીનો સ્વીકાર કર્યો નથી.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ અમેરિકાએ હવાઈ હુમલામાં ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના પ્રમુખ અને તેમની પ્રાદેશિક સુરક્ષા પ્રણાલીના આર્કિટેક્ટ જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કરી હતી. ત્યારબાદથી ઇરાન અને અમેરિકા વચ્ચે તણાવમાં વધારો જોવા મળે છે.
ઇરાને અમેરિકા પાસેથી બદલો લેવા માટે ઘટનાના 2 દિવસ બાદ ઇરાક સ્થિત અમેરિકી ઠેકાણાં પર રોકેટ વડે હુમલો કર્યો હતો. આ અંગે ઇરાનના મીડિયાએ દાવો કર્યો હતો કે, આ હુમલામાં USના 80થી વધુ સૈનિક માર્યા ગયા હતાં. જો કે, અમેરિકાએ આ વાતને ફગાવી દીધી હતી.