- મસ્જિદને નિશાન બનાવીને IS દ્વારા વિસ્ફોટ કરાયો
- આત્મઘાતી હુમલાખોરમાં શિયા અને તાલિબાન નિશાને
- વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100 લોકો માર્યા ગયાનો અહેવાલ
કાબુલ : ઉત્તર અફઘાનિસ્તાનમાં એક મસ્જિદને નિશાન બનાવીને થયેલા વિસ્ફોટ(AFGHANISTAN MOSQUE BLAST)માં ઓછામાં ઓછા 100 લોકો માર્યા ગયા છે. વિસ્ફોટના સંબંધમાં તાલિબાન પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શુક્રવારે ઉત્તર અફઘાનિસ્તાનની એક મસ્જિદમાં શિયા મુસ્લિમ ઉપાસકો પર વિસ્ફોટ થયો હતો. તેમણે વધુમાં કહ્યું કે, વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100 લોકો માર્યા ગયા અથવા ઇજાગ્રસ્ત થયા છે.
હુમલાની ISએ લીધી જવાબદારી
આ દરમિયાન, આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS) એ મસ્જિદમાં બોમ્બ ધડાકાની જવાબદારી સ્વીકારતા કહ્યું હતું કે, તેના આત્મઘાતી હુમલાખોરે આ ઘટનાને અંજામ આપ્યો હતો. IS સાથે જોડાયેલી અમાક ન્યૂઝ એજન્સીએ કુંદુઝ પ્રાંતની એક મસ્જિદમાં બપોરે નમાઝ દરમિયાન વિસ્ફોટ થયાના કલાકો બાદ આ દાવાની જાણકારી આપી હતી.
શિયાઓ અને તાલિબાન બન્ને નિશાને
ISએ તેના દાવામાં આત્મઘાતી હુમલાખોરને ઉઇગર મુસ્લિમ તરીકે ઓળખ આપી હતી અને કહ્યું હતું કે, આ હુમલામાં શિયાઓ અને તાલિબાન બન્નેને નિશાન બનાવવામાં આવ્યા છે, જે ઉઇગરોની માંગણીઓ પૂર્ણ કરવા માટે ચીન સામે અવરોધ ઉભો કરી રહ્યા છે. તાલિબાનના પ્રવક્તા બિલાલ કરીમીએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે, 46 નમાજીઓ માર્યા ગયા અને 143 ઇજાગ્રસ્ત થયા છે. તેમણે વધુમાં કહ્યું કે, આ મામલાની તપાસ ચાલી રહી છે.