વૉશિંગટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું સારું પ્રદર્શન ન હોવાને કારણે જ હું રાજકારણમાં ઉતર્યો અને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયો હતો. ટ્રમ્પે બુધવારે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને કહ્યું કે, મને મારું જૂનું જીવન ખુબ જ પસંદ હતું, પરંતું ઓબામા અને બિડેને ખુબ જ ખરાબ કામ કર્યું હતું, જેના કારણે આજે હું રાષ્ટ્રપતિ તરીકે તમારી સામે ઉભો છું.
વધુમાં ટ્રમ્પે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ઓબામાએ સારું કામ નથી કર્યું. હું અહીં ફક્ત રાષ્ટ્રપતિ ઓબામા અને જો બિડેનના કારણે અહીં છું, કારણ કે જો તેઓએ સારું કામ કર્યું હોત, તો હું અહીં ન હોત. જો તેઓએ સારું કામ કર્યું હોત તો, મેં કદાચ ચૂંટણી લડી પણ ન હોત. ઉલ્લેખનીય છે કે, બિડેન ઓબામાની સરકારમાં ઉપરાષ્ટ્રપતિ હતાં, જે આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટ્સ વતી ટ્રમ્પને પડકાર ફેંકી રહ્યાં છે. સોમવારે અમેરિકન ડેમોક્રેટિક સંમેલનની શરૂઆત થઈ હતી.