- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે કરી મુલાકાત
- વડાપ્રધાને મુલાકાત દરમિયાન H-1B વિઝાનો પણ મુદ્દો ઉઠાવ્યો
- અત્યારના દિવસોમાં ભારતના IT પ્રોફેશનલ્સને H1B વિઝા મળવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે
વોશિંગ્ટનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. ત્યારે વડાપ્રધાન શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને મળ્યા હતા. તે દરમિયાન બંને નેતાઓએ કોરોના, જળવાયુ પરિવર્તન, વેપાર અને હિન્દ પ્રશાંત સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ H-1B વિઝાનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો. આ અંગે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ માહિતી આપી હતી. આપને જણાવી દઈએ કે, અત્યારના દિવસોમાં ભારતના IT પ્રોફેશનલ્સને H1B વિઝા મળવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે.
જો બાઈડન સાથે મુલાકાત પછી વિદેશ સચિવે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ H1B વિઝાનો મુદ્દો ઉઠાવ્યો હતો. વડાપ્રધાને આ અંગે એ તથ્યનો ઉલ્લેખ કર્યો હતો કે, અમેરિકામાં કામ કરતા અનેક ભારતીય પ્રોફેશનલ્સ સામાજિક સુરક્ષામાં યોગદાન આપે છે. સંયુક્ત રાજ્ય અમેરિકામાં તે યોગદાનની વાપસી કંઈક એવી છે કે, જે ભારતીય શ્રમિકોની સંખ્યાને અસર કરે છે.
શું છે H1B વિઝા?
અમેરિકી કંપનીઓમાં વિદેશી કર્મચારીઓને મળતા વિઝાને H1B વિઝા કહેવાય છે. આ સામાન્ય રીતે તેવા લોકોને મળે છે, જે રોજગારના આધાર પર સ્થાયી નિવાસીનો દરજ્જો મેળવવા માગે છે. આ વિઝાને એક નિશ્ચિત સમયગાળા માટે જાહેર કરવામાં આવે છે. એટલે કે જો અમેરિકામાં કંપનીઓ કોઈ વિેદશી નાગરિકને નોકરી આપવા માગે છે તો કર્મચારી આ વિઝાના માધ્યમથી કંપનીમાં કામ કરી શકે છે.
H1B વિઝા માટે શું યોગ્યતા હોય છે?
H1B વિઝા માટે તમારી પાસે ઓછામાં ઓછી બેચલર ડિગ્રી હોવી જોઈએ. આ સાથે જ અમેરિકામાં નોકરી માટે યોગ્ય ડિગ્રી હોવી જોઈએ. તમારી પાસે કામનો અનુભવ પણ હોવો જોઈએ. 12 વર્ષના અનુભવની શરતમાં કેટલીક જોગવાઈની સાથે ઢીલ પણ આપવામાં આવે છે.