વોશિંગ્ટન:કોવિડ-19ની મહામારીની વચ્ચે યોજાઇ રહેલી અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીના ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડેનનાં રનિંગ મેટ કમલા હેરિસ અને અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટ માઇક પેન્સ વચ્ચે બુધવારે ઉટાહના સોલ્ટ લેક સિટી ખાતે યોજાનારી તેમની પ્રથમ ડિબેટ દરમિયાન બંને નેતાઓ વચ્ચે પ્લેક્સિગ્લાસ ગોઠવવામાં આવશે.
પ્રેસિડેન્શિયલ ડિબેટ્સ માટેના કમિશને પેન્સ અને હેરિસ તેમજ મોડરેટર સુઝેન પેજ વચ્ચેની આડશ તરીકે પ્લેક્સિગ્લાસ ગોઠવવાની યોજનાને સોમવારે મંજૂરી આપી હતી. મહામારીની વચ્ચે ફોરમ માટે આરોગ્યલક્ષી પ્રોટોકોલ્સ નક્કી કરવામાં મદદ પૂરી પાડી રહેલા ક્લિવલેન્ડ ક્લિનિકે આ યોજનાનું સમર્થન કર્યું હતું.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી ઓક્ટોબરના રોજ તેઓ અને ફર્સ્ટ લેડી કોરોના પોઝિટિવ હોવાની જાહેરાત કરી, તે દરમિયાન પેન્સ અને હેરિસની ટીમ ડિબેટ અંગે ચર્ચા કરી રહી હતી. ત્યાર બાદ ઉપરોક્ત ગોઠવણ કરવાનું નક્કી થયું હતું.
કમિશને પણ બંને ઉમેદવારોની બેઠકો વચ્ચે સાતથી 13 ફૂટનું અંતર જાળવવાનો નિર્ણય લીધો હતો. પરંતુ, પ્લેક્સિગ્લાસની આડશ ઊભી કરવી કે કેમ, તે મામલે બંને કેમ્પમાં મતભેદો સર્જાયા હતા. હેરિસની ટીમે આ નિર્ણયને ટેકો આપ્યો હતો, જ્યારે પેન્સની ટીમે તેનો વિરોધ કર્યો હતો.
"જો સેનેટર હેરિસ તેમની આસપાસ સુરક્ષા કવચનો ઉપયોગ કરવા ઇચ્છતાં હોય, તો તેમ કરવા દો," તેમ પેન્સનાં પ્રવક્તા કેટી મિલરે જણાવ્યું હતું. જે દરમિયાન બાઇડેને પણ 15મી ઓક્ટોબરે યોજનારી બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં પ્લેક્સિગ્લાસનો ઉપયોગ કરવાની તૈયારી દર્શાવી હતી. એક અખબારી અહેવાલમાં ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ બાઇડેનને એમ કહેતા ટાંકવામાં આવ્યા હતા કે, "હું આ વિષયનો નિષ્ણાત નથી, પણ મારૂં માનવું છે કે, આપણે અત્યંત સાવચેત રહેવું જોઇએ."