અમેરિકા: કોરોના મહામારીનો સૌથી વધુ ભોગ બનેલાં અમેરિકામાં કોરોનાને કારણે ભયંકર મંદી, બેરોજગારી અને ભૂખમરાની કપરી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે. ત્યાં ભારતીય વ્યવસાયિકોના ધંધા રોજગારને પણ મોટી વ્યવસાયિક હાનિ પહોંચી છે. આમ છતાં સેવા, સહકાર, સદભાવનાના સંસ્કારોની વરેલી ભારતીય પ્રજા અમેરિકાના પ્રજાજનોની પડખે કોરોના વોરિયર્સ બની જનસેવામાં પ્રવૃત છે. ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે કે છેલ્લાં બે મહિનાથી લેબોન હોસ્પિટાલિટી ગ્રુપ, જય ભારત ફૂડસ, ઇન્ડો અમેરિકન કલચરલ સોસાયટીના ઉપક્રમે સ્થાનિક સંસ્થાઓ અને અગ્રણી વ્યક્તિઓ સાથે સંકલન કરી કોરોનાકાળમાં નોર્થ અમેરિકામાં લોક ઉપયોગી સેવાઓ કરી રહ્યાં છે. તેઓ અનેક પરિવારોને 4000થી વધુ ગ્રોસરી કીટ અને 1 લાખથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરી ચૂક્યાં છે અને હાલ પણ આ સદાવ્રત સેવા ચાલુ જ છે.
અમેરિકામાં ઓવરસીસ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીએ સેવાભાવી સંસ્થાઓ સાથે મળીને જીવન જરૂરિયાતની વસ્તુનું કર્યું નિ:શુલ્ક વિતરણ - Los Angeles
અમેરિકામાં જોય ઓફ શેરિંગ એક્ટિવિટીમાં જોડાયેલ લેબોન હોસ્પિટાલિટી અને જય ભારત ફૂડ્સ તથા ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના સેવાકાર્યોની સુગંધ હવે એવી ફેલાઈ છે કે તેમના સદકાર્યમાં વધુ કેટલીક સંસ્થાઓ સાથે ભારતીય જનતા પક્ષની ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ બીજેપી પણ જોડાઈ ગઈ છે.
તેઓની સદભાવનાની સુવાસ હવે ઓર ફેલાતાં આ પૂણ્યકર્મમાં નોર્થ અમેરિકાની અગ્રણી ધાર્મિક સંસ્થા ગાયત્રી ચૈતન્ય સેન્ટરના પ્રમુખ રાજુભાઇ પટેલ અને ગુજરાતી સમાજના પરેશ મિસ્ત્રી સહિત અન્ય સામાજિક આગેવાનો પણ સક્રિયપણે જોડાયાં છે. ગત સપ્તાહમાં લોસ એન્જલિસના સિટી ઓફ લાપામામાં "જોય ઓફ શેરિંગ" એક્ટિવિટી અંતર્ગત ઉપરોક્ત સંસ્થાઓ અને વ્યાવસાયિકો સહિત ભાજપની ઇન્ટરનેશનલ વિંગ ઓવરસીસ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી(OFBJP), લોસ એન્જલિસ વેસ્ટ ઝોન સાથે સંકલન કરી 500 જેટલાં પરિવારને ગ્રોસરી અને 3,700 જેટલા ફૂડ પેકેટનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું. "જોય ઓફ શેરિંગ" ના કાર્યક્રમમાં સિટી ઓફ લાપામાના મેયર નિતેશ પટેલ, OFBJP ના પ્રમુખ પી.કે.નાયક, તેમ જ આગેવાન પ્રણવભાઈ દેસાઈ તેમ જ લતેશ બમ્બાની પણ હાજર રહ્યાં હતાં.
મહત્વનું છે કે લોસ એન્જલિસ કાઉન્ટીના સિટી ઓફ લાપામાના મેયર નિતેશ પટેલ મૂળ આણંદ જિલ્લાના ધર્મજ ગામના વતની છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતી સંસ્કાર શોભાવતાં સૌ ગુજરાતી વ્યાવસાયિકો ભેગાં થઈ અમેરિકામાં ભૂખસંકટથી પીડિત પ્રજાજનોને તમામ પ્રકારની મદદ કરીએ છીએ. તેઓએ લેબોન હોસ્પિટલિટી ગ્રુપ,જય ભારત ફૂડસ અને ઓવરસીસ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી અને ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીનો આભાર વ્યક્ત કર્યો હતો.