ન્યૂયોર્કઃ રવિવારે અમેરિકાના ન્યુ યોર્કમાં એક ચર્ચની બહાર એક પાગલ વ્યક્તિએ અચાનક કેરોલ-સિંગિંગ જોવા માટે એકત્રિત થયેલા ટોળા પર ગોળીબાર કર્યો હતો. તે જ સમયે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ચર્ચની બહાર ફાયરિંગ કરનાર વ્યક્તિને ઠાર કર્યો હતો.
ચર્ચની બહાર ફાયરિંગ
ન્યૂયોર્ક પોલીસ અનુસાર પહેલા તે શખ્સે પોલીસ પર ફાયરિંગ કર્યુ હતુ. ત્યાર બાદ જવાબી કાર્યવાહીમાં પોલીસે ફાયરિંગ કર્યુ હતું. પોલીસે ફાયરિંગ કરનાર શખ્સ પાસેથી બે ગન, એક ગૈસોલીન ભરેલું બેગ અને એક ચાકુ જપ્ત કર્યુ છે.
કોઈ જાનહાની નહીં
ફાયરિંગની ઘટનામાં ચર્ચની બહાર રહેલા લોકોને કોઈ પણ નુકસાન પહોંચ્યુ નથી. ક્રિસમસ નજીક હોવાથી ચર્ચની બહાર ભીડ પણ ખુબ જ હતી.
એએફપીની પત્રકાર માર્થા સ્ટોર્લી, જે ત્યાં હાજર હતી તેણે જણાવ્યું કે એક વ્યક્તિ મેનહટનમાં સેન્ટ જ્હોન ધ ડિવાઇનના કેથેડ્રલથી થોડે દૂર ગોળીઓ ચલાવી રહ્યો હતો. તે સમયે બપોરના 4 વાગ્યાની આસપાસનો સમય હતો. તેમણે કહ્યું કે આઉટડોર કોરલ કોન્સર્ટ સમાપ્ત થયા પછી, લોકો ત્યાંથી જઇ રહ્યા હતા, ત્યારે જ ગોળીબારનો અવાજ સંભળાયો, જે ખૂબ જ ઝડપી હતો. એક વ્યક્તિ મારી પાસેથી 10 મીટરના અંતરે ફાયરિંગ કરી રહ્યો હતો.