- મ્યાનમારનાં ગત નવેમ્બરની ચૂંટણીમાં ગેરરિતી થઈ હોવાના સૈન્યનાં આક્ષેપો
- આક્ષેપો બાદ સૈન્ય દ્વારા એક વર્ષ માટે કટોકટી લાદવામાં આવી છે
- ખોટી રીતે કટોકટી લાદવામાં આવી હોવાથી અમેરિકન રાષ્ટ્રપતિએ રોકાણ પર પ્રતિબંધ લાદ્યા
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને મ્યાનમારમાં અમેરિકન રોકાણ પર પ્રતિબંધ લાદતા ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા - મ્યાનમાર હિંસા
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને મ્યાનમારમાં સંપત્તિ અને નાણાંના રોકાણ પર પ્રતિબંધ ફરમાવતા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે અને લશ્કરી બળવાખોર નેતાઓ સાથેના વ્યવહારને યુનાઇટેડ સ્ટેટ્સની વિદેશ નીતિ માટે ખતરો ગણાવ્યો છે.

વોશિંગ્ટન: અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડેને ગુરુવારે મ્યાનમારમાં સંપત્તિ અને નાણાના રોકાણ પર પ્રતિબંધ ફરમાવતા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે લશ્કરના બળવાખોર નેતાઓના વ્યવહારને અમેરિકન વિદેશ નીતિ માટે ખતરો ગણાવ્યો છે.
ચૂંટણીમાં બર્માના લોકોની ઇચ્છાને નકારીને દેશની લોકશાહીનું અપમાન
રાષ્ટ્રપતિ બાઈડેને જાહેર કરાયેલા એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં જણાવ્યું કે, "મને લાગે છે કે, ખાસ કરીને 1 ફેબ્રુઆરી, 2021 ના રોજ બર્મામાં લશ્કર દ્વારા બળવો કરીને લોકશાહી સ્વરૂપે ચૂંટાયેલી સરકારને ઉથલાવી દીધી હતી અને સરકારી નેતાઓ, રાજકારણીઓ, માનવાધિકાર સંરક્ષણકારો, પત્રકારો અને ધાર્મિક નેતાઓની અન્યાયિક રીતે ધરપકડ અને અટકાયત કરી હતી. સૈન્ય દ્વારા બળવાખોરી કરીને નવેમ્બર 2020માં યોજાયેલી ચૂંટણીમાં બર્માના લોકોની ઇચ્છાને નકારીને દેશની લોકશાહી અને સત્તાનાં હસ્તાંતરણને જટિલ બનાવવામાં આવ્યું છે. જે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ માટે અસામાન્ય અને અસાધારણ ખતરો છે."
ચૂંટણીમાં આંગ સાન સુ કીની NLD પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો હતો
મ્યાનમારનાં સૈન્યએ 1 ફેબ્રુઆરીનાં રોજ બળવાખોરીની શરૂઆત કરી હતી અને રાજ્યના કાઉન્સેલર આંગ સાન સુ કી, વિન મૈઇંટ અને નેશનલ લીગ ફોર ડેમોક્રેસી (NLD)ના સભ્યોની અટકાયત કરી હતી. સૈન્યએ 8 નવેમ્બરની સામાન્ય ચૂંટણી દરમિયાન મતદાનમાં છેતરપિંડી થઈ હોવાના આક્ષેપો ધરીને દેશમાં એક વર્ષની કટોકટીની જાહેરાત કરી હતી, તે ચૂંટણીમાં આંગ સાન સુ કીની NLD પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો હતો. સૈન્યની બળવાખોરી વિરુદ્ધ દિવસે દિવસે વધી રહેલા વિરોધને ડામવા માટે પોલીસ દળોએ મંગળવારે 100થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા કરાયેલા બળ પ્રયોગમાં સંખ્યાબંધ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.