ગુજરાત

gujarat

ETV Bharat / international

9/11: જ્યારે ત્રાસવાદી હુમલાએ અમેરિકાને હચમચાવ્યું

દુનિયાની મહાસત્તા અમેરિકાને 2001માં ઉપરાઉપરી ચાર ત્રાસવાદી હુમલાએ હચમચાવી દીધું હતું. સૌથી નક્કર સુરક્ષા વ્યવસ્થા ધરાવતા દેશની સામે પણ જાણે ખતરો ઊભો થયો હતો. ત્રાસવાદી હુમલાએ દર્શાવી આપ્યું હતું કે અમેરિકાની સુરક્ષા વ્યવસ્થા કેટલી પાંગળી છે. જોકે પેન્ટાગોને આમાંથી બોધપાઠ લીધો હતો અને એવા સલામતીનાં પગલાં લીધા કે જેથી ભવિષ્યમાં ફરીથી આવો આતંકી હુમલો ના થાય.

Attack
Attack

By

Published : Sep 11, 2020, 10:39 AM IST

ન્યૂઝ ડેસ્કઃ 18 વર્ષ પહેલાં 11 સપ્ટેમ્બરે અમેરિકનો હચમચી ગયા હતા, કેમ કે તેમને ત્રાસવાદની ભયાનકતાનો જાતઅનુભવ થયો હતો. ટ્વીન ટાવર્સ તૂટી પડ્યા અને 3,000થી વધુ લોકોના જીવ ગયા. પેન્ટાગોન પણ આઘાત પણ સરી પડ્યું હતું.

11 સપ્ટેમ્બર 2001ના રોજ વેસ્ટ કોસ્ટ જવા માટે નીકળેલા ચાર અમેરિકન વિમાનોને 19 ત્રાસવાદીઓએ હાઈજેક કરી લીધા હતા.

તેના કારણે સલામતીની વ્યવસ્થા કેટલી ખોખલી હોઇ શકે છે તેનો ખ્યાલ આવી ગયો હતો. 9/11નો હુમલો અમેરિકા ક્યારેય ભૂલી શક્યું નથી અને ભવિષ્યમાં ફરી આતંકનો ભોગ ના બનવું પડે તે માટે સલામતીના વધુ ચૂસ્ત પગલાં અમલમાં મૂકાયા હતા.

સૌથી વધુ જાનહાની વર્લ્ડ ટ્રેડ સેન્ટરને થઈ હતી, જ્યાં બંને બહુમાળી ઈમારતો તૂટી પડી તેના કારણે 2753 લોકો માર્યા ગયા હતા. હાઇજેક કરવામાં આવેલા અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 11 અને યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટ 175 બંને વિમાનોને સીધા જ આ ટાવર સાથે અથડાવી દેવામાં આવ્યા હતા. ટાવરો તૂટી પડ્યા તેમાંથી માત્ર 6 લોકો બચી શક્યા હતા અને 10,000થી વધુ લોકોએ ઈજાઓ થઈ હતી.

આ બાજુ વૉશિંગ્ટનમાં આવેલી સંરક્ષણ વિભાગની પેન્ટાગોન ઇમારત પર અમેરિકન એરલાઇન્સ ફ્લાઇટ 77નું વિમાન તૂટી પડ્યું. તે હુમલામાં પણ 184 લોકો માર્યા ગયા હતા.

ચોથું વિમાન હતું યુનાઇટેડ એરલાઇન્સ ફ્લાઇટ 93નું. મુસાફરો સાથે તે વિમાન પેન્સિલવેનિયાના શેન્ક્સવિલ્લે નજીક મેદાનમાં તૂટી પડ્યું, જેમાં 40 મુસાફરો અને ક્રૂના સભ્યો માર્યા ગયા.

એવું માનવામાં આવે છે કે પેસેન્જર અને ક્રૂના સભ્યોએ હાઇજેકરો સાથે ઝપાઝપી કરી હતી અને વિમાનનો કબજો ફરી હાથમાં લેવા કોશિશ કરી હતી. તેના કારણે જે ટાર્ગેટ પર વિમાન અથડાવાનું હતું તેના બદલે ખાલી મેદાનમાં તૂટી પડ્યું હતું.

અલ કાયદાના આતંકી ઓસામા બિન લાદેને આ રીતે અમેરિકાના સુરક્ષામાં ગાબડાં પાડી દીધાં હતાં. અમેરિકાએ આતંકી ઓસામાને ગમે તેમ કરીને પકડી લેવા માટે અફઘાનિસ્તાનમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી. જોકે ઘણા વખત સુધી લાદેન ભાગતો ફર્યો હતો અને આજેય અમેરિકાની સેનાના દળો અફઘાનિસ્તાનમાં ગોઠવાયેલા છે.

આ આતંકી હુમલાના મહિનાઓ પછી અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી તાલિબાનોને સત્તા પરથી દૂર કર્યા હતા. જોકે લાદેનને ઠાર કરવામાં બીજા 10 વર્ષ લાગી ગયા હતા. અફઘાનિસ્તાનમાં ત્રાસવાદ વિરુદ્ધની લડાઈ હજીય ચાલી રહી છે.

જોકે અમેરિકાએ હવે અફઘાનિસ્તાનમાં તાલિબાનો સાથે શાંતિ કરાર કર્યા છે અને ત્યાં ગોઠવાયેલી સૈનિક ટુકડીઓ અમેરિકા પરત ફરી શકે તે માટેની પ્રક્રિયા શરૂ કરી છે.

આ વર્ષે કોરોના વાઇરસના સંકટને કારણે અમેરિકામાં જીવન બદલાયું છે અને તેના કારણે9/11ની સ્મૃતિમાં થતા કાર્યક્રમો પણ દર વર્ષની જેમ થઈ શક્યા નથી.

19મા વર્ષે મેમોરિયલ પ્લાઝા ખાતે અલગ રીતે કાર્યક્રમો થશે. વર્લ્ડ ટ્રેડ સેન્ટરની નજીક આ સ્મારક બનેલું છે અને ત્યાં દર વર્ષે કાર્યક્રમ થતો હોય છે. પરંતુ આ વખતે બે અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે. વાઇસ પ્રેસિડન્ટ માઇક પેન્સ બંને કાર્યક્રમોમાં ભાગ લેશે તેવી શક્યતા છે. બીજી બાજુ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની સામે ચૂંટણી લડી રહેલા ડેમોક્રેટિક પાર્ટીના જો બાઇડન પેન્સિલવેનિયાના ફ્લાઇટ 93 મેમોરિયલ ખાતે જશે.

તૂટી પડેલા બે ટાવરના પ્રતિક તરીકે બે લાઇટ બીમ કરવામાં આવતા હોય છે, પરંતુ વાઇરસ સામે સલામતીનાં પગલાંનાં ભાગ રૂપે તેને રદ કરવામાં આવ્યા હતા. જોકે તેની સામે ભારે વિરોધ થયો તે પછી તેને ફરીથી દર્શાવવાનું નક્કી થયું છે. ફાયર વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે કોરોના સંકટને ધ્યાનમાં રાખીને સ્મારક ખાતે ભીડ ના કરે. આ હુમલામાં ફાયર વિભાગના પણ 350થી વધુ કર્મચારીઓ માર્યા ગયા હતા.

ત્રાસવાદી હુમલાનો ભોગ બનેલાના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓ કોરોના વાઇરસના સંકટને કારણે ઊભી થયેલી સ્થિતિને સમજી શકે છે. જોકે કેટલાકને એવું પણ લાગે છે કે આતંકી હુમલાને ક્યારેય નહિ ભૂલીએ તેવી અડગ પ્રતિજ્ઞા લેવાઈ હતી તે જાણે ભૂલાઈ રહી છે.

જોકે સ્મારક ખાતે હાજર રહીને નહિ, પણ અન્ય રીતે ઓનલાઇન થઈને તિથિ પાળવી જોઈએ એવું ઘણા માને છે. કેટલાક કાર્યક્રમો સરકારી ધોરણે માર્ગદર્શિકા પ્રમાણે થવાના છે, પણ તેમાં ભોગ બનેલા લોકોના પરિવારોને સામેલ નથી કરાયા તેની નારાજી પણ છે.

ABOUT THE AUTHOR

...view details