- દક્ષિણ આફ્રિકામાં એક સપ્તાહથી હિંસા અને લૂંટફાટ યથાવત
- હુમલા અને લૂંટફાટમાં ભારતીય લોકો અને ધંધાઓ નિશાના પર
- પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ જુમા જેલમાં ગયા બાદ શરૂ થઈ હતી હિંસા
ન્યૂઝ ડેસ્ક : દક્ષિણ આફ્રિકામાં ગત ગુરૂવારથી હિંસા અને લૂંટફાટ શરૂ થઈ ગઈ છે. આ હિંસાની આડમાં લોકોએ સ્થાનિક સ્ટોર્સ અને દુકાનોમાં લૂંટફાટ કરવાનું શરૂ કરી દીધું છે. દોડાદોડીમાં અત્યાર સુધી કુલ 72 લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ અને સેનાને સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સ્ટન ગ્રેનેડ અને રબર બુલેટ્સનો પ્રયોગ કરવો પડ્યો હતો. પોલીસે ભારે વિરોધ વચ્ચે અત્યાર સુધી 1200થી વધારે લોકોની ધરપકડ કરી છે.
શા માટે હિંસા અને લૂંટફાટ ?
ગત ગુરૂવારે પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ જુમાએ 15 મહિનાની સજા ભોગવવા માટે કરેલા સરેન્ડર બાદ ગૌતેંગ અને ક્વાજુલુ-નતાલ રાજ્યોમાં હિંસા શરૂ થઈ હતી. દક્ષિણ આફ્રિકાની અડધા ઉપરની વસતી ગરીબી રેખા નીચે જીવે છે અને દેશમાં બેરોજગારીનો દર 32 ટકા છે. જેના કારણે અવારનવાર હિંસાની આડમાં લોકો લૂંટફાટ શરૂ કરી દેતા હોય છે. જેથી આ હિંસા શરૂ થઈ તેના ગણતરીના સમયમાં સ્ટોર્સ અને શોપિંગ મોલ્સમાં લૂંટફાટ શરૂ થઈ ગઈ હતી. આ બન્ને રાજ્યોમાં ઠેર ઠેર સેંકડો લોકો દુકાનોમાંથી સામાન લૂંટીને જતા નજરે પડી રહ્યા હતા.