- સુરતમાં કોરોનાના કેસમાં થયો રેકોર્ડ બ્રેક વધારો
- અંતિમ સંસ્કાર માટે રોજ 100થી વધુ વેઈટિંગ
- અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં ગોડાઉન બનાવી મૃતદેહના અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવ્યા
સુરત: સુરત શહેરમાં સતત કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અશ્વિનીકુમાર સ્મશાનગૃહ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે વેઈટિંગ જોવા મળ્યું હતું. અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં મૃતદેહ માટે ગોડાઉન બનાવવામાં આવ્યા છે. એક એમ્બ્યુલન્સમાં પાંચથી છ મૃતદેહો આવી રહ્યા છે સાંજે આવેલા મૃતદેહનો 14 કલાક બાદ પણ અંતિમ ક્રિયા થઈ શકી નથી. અંતિમ સંસ્કાર માટે રોજ 100થી વધુ વેઈટિંગ આવે છે.
આ પણ વાંચો: ગુજરાત બન્યુ વુહાન, કોરોનાના રેકોર્ડબ્રેક 4,021 પોઝિટિવ કેસ નોંધાયા
સુરતમાં કોરોના સંક્રમણને કારણે અનેક રેકોર્ડ બ્રેક કેસો સામે આવ્યા
સુરતમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અનેક રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. સુરતની હોસ્પિટલોમાં બેડની અછત હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ તંત્ર પણ યુદ્ધના ધોરણે કામગીરીમાં જોતરાયું છે પરંતુ આ બધા વચ્ચે સુરતના સ્મશાનગૃહનો વીડિયો ભયાવહ છે. બે દિવસ અગાઉ અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે ટોકન લઈને પરિવારજનો વેઈટિંગમાં બેઠા છે.
અંતિમ સંસ્કાર માટે રાહ જોતાં પરિજનોનો વીડિયો થયો વાયરલ
આ વીડિયો બાદ સુરતના ઉમરા સ્થિત સ્મશાનગૃહનો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ત્યાં પણ વેઈટિંગ ચાલી રહ્યું છે. દરરોજ સૌથી વધુ મૃતદેહો સુરતમાં તમામ ગૃહમાં આવી રહ્યા છે. ત્યારે હાલ 14થી 16 કલાક વેઈટિંગ અંતિમ ક્રિયા માટે છે. અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં ગોડાઉન બનાવી મૃતદેહના અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવ્યા છે.
સુરતમાં 8થી 10 લોકોના કોરોનાના કારણે નિધન
કોવિડની ગાઈડલાઈન મુજબ અહીં મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવી રહી છે. અહી 40 જેટલા મૃતદેહો વેઈટિંગમાં છે. મનપા દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સુરતમાં 8થી 10 લોકોના કોરોનાના કારણે નિધન થઇ રહ્યા છે તો બીજી તરફ સ્મશાનગૃહમાં કોવિડની ગાઈડલાઈન પ્રમાણે કઈ રીતે અંતિમવિધિ કરવામાં આવે છે તે દ્રશ્યો તમારી સામે જ છે. ત્યારે લોકોને વિનંતી છે કે, તંત્રની સાથે તેઓ પણ પોતાની જવાબદારી સમજે વગર કારણે ઘરની બહાર નીકળવાનું ટાળે, કોવિડની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરે તે ખુબ જ જરૂરી છે. સાથે જ લોકોને ખોટી અફવા પર ધ્યાન ન આપવા અપીલ પણ કરવામાં આવી રહી છે.