સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં કોંગ્રેસ દ્વારા આયોજિત જનસંવેદના આંદોલનમાં કોંગ્રેસી નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતાં. દાદરા નગર હવેલીના સેલવાસમાં કિલવાણી નાકા પર એક વિશાળ રેલી અને જનસભાનું આયોજન કરાયું હતું. મોદી સરકારના રાજમાં વધતી મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે વિરોધ વ્યક્ત કરવા આયોજિત આ જન સંવેદના આંદોલનમાં કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, ડૉ. બિશ્વરંજન મોહંતી સહિતના કોંગ્રેસી નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે ભાજપ પર પ્રહાર કર્યા સભામાં દાદરા નગર હવેલી કોંગ્રેસના નેતા પ્રભુ ટોકીયા, કેશુ પટેલે દાદરા નગર હવેલીના પ્રશાસક દ્વારા ચલાવવામાં આવતી તાનાશાહી સામે આક્રોશ ઠાલવ્યો હતો. જે બાદ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે પણ ભાજપ સરકારને આડે હાથ લીધી હતી.
સાતવે જણાવ્યું હતું કે, દેશમાં મોદી સરકારના રાજમાં દેશની જનતાનો કોઈ વિકાસ થયો નથી. આ સરકાર માત્ર પોતાના મનની વાત કરે છે. પ્રજાના મનની વાત સાંભળતી નથી. જે માટે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં દેશભરમાં આ જન સંવેદના આંદોલનની શરૂઆત કરી છે. જેમાં આગામી 14મી ડિસેમ્બરે દિલ્હીમાં વિશાળ જન સંવેદના આંદોલન યોજી મોદી સરકારની જનવિરોધી નીતિ સામે વિરોધ વ્યક્ત કરશે.
રાજીવ સાતવે દાદરા નગર હવેલીમાં પ્રશાસક પ્રફુલ પટેલ હિટલર રાજ ચલાવતા હોવાનો આક્ષેપ કરી દાદરા નગર હવેલી દમણ દિવના વિલિનીકરણ અંગે તેમણે જણાવ્યું હતું કે, આ માત્ર એક વ્યક્તિની મરજીથી વિલિનીકરણ થયું છે. આમાં ક્યાંય જનતાના પ્રતિભાવો જાણ્યા નથી. તો, મહારાષ્ટ્રની રાજકીય ગતિવિધિઓ અંગે પણ આક્ષેપ કર્યા હતાં કે, દેશની જનતા ભાજપ સરકારના ખોટા વાયદાઓ જાણી ગઈ છે. અને તેમની સાથે રહેલા અન્ય પક્ષો પણ હવે એ જાણી જતા ધીરેધીરે ભાજપથી છેડો ફાડી રહ્યા છે.
2017ની વિધાનસભા વખતે ગુજરાતમાં 150 પાર, હરિયાણામાં 75 પાર, મહારાષ્ટ્રમાં 220 પારનો વિશ્વાસ રાખનાર ભાજપને એનાથી અડધી સીટોમાં જ સંતોષ માનવો પડ્યો છે. જનતા વિરોધી નીતિને કારણે રાજસ્થાન, છત્તીસગઢમાંથી સત્તા ગુમાવી પડી છે. એજ રીતે મહારાષ્ટ્રમાંથી સત્તા ગુમાવ્યા બાદ દેશમાંથી ભાજપને જાણકારો મળતો હોવાની શરૂઆત મહારાષ્ટ્રથી થઈ હોવાનું જણાવ્યું હતું.
સેલવાસમાં આયોજિત જન સંવેદના સભા બાદ કોંગ્રેસી આગેવાનો કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતાં. જ્યાં કલેક્ટરે મળવાથી ઇન્કાર કરી દેતા તાનાશાહીનો અનુભવ થયો હોય એમ તમામ આગેવાનો પરત જતા રહ્યાં હતાં. સભામાં વલસાડ જિલ્લાના માજી સાંસદ કિશન પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, વલસાડ જિલ્લા પ્રદેશ પ્રમુખ દિનેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ તડકામાં પણ સભામાં આવેલા આદિવાસી ભાઈઓ બહેનોને સંબોધન કરી આભાર વ્યક્ત કાર્યો હતો.