- સિંહ દર્શન વન વિભાગ માટે આવકનું માધ્યમ વધુ મજબૂત બની રહ્યું છે
- છેલ્લા પાંચ વર્ષમાં ૨૫ લાખ કરતાં વધુ સિંહ પ્રેમીઓએ સફારી પાર્કની લીધી મુલાકાત
- કોરોના કાળને બાદ કરતા દર વર્ષે યાત્રિકોની સંખ્યામાં જોવા મળ્યો છે સતત વધારો
જુનાગઢ: ગીરના સાવજોને જોવાની ઈચ્છા દુનિયાના કોઈપણ દેશના પ્રવાસી કરે તે સ્વાભાવિક છે. તેને ધ્યાને રાખીને વર્ષ 1900માં જૂનાગઢના નવાબે સિંહ દર્શનની શરૂઆત કરી હતી. ત્યારબાદ મુક્ત વિહરતા સિંહો પર અત્યાચાર વધવા લાગ્યા અને સિંહના શિકારની ઘટના બિલકુલ સામાન્ય બનતી જોવા મળી. એક સમયે ગીર વિસ્તારમાં માત્ર 15 જેટલા સિંહો અસ્તિત્વ ધરાવતા હતા. ત્યાંથી ગીર વિસ્તારને સુરક્ષિત જાહેર કરવામાં આવ્યું અને સિંહોના શિકાર પર તાકીદે પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને ત્યારથી સિંહોના સંરક્ષણને લઈને નવા નીતિ-નિયમો બનવા લાગ્યા અને આજે વર્ષ ૨૦૨૧ માં સિંહોની સંખ્યા 675 જેટલી થવા જાય છે જે સાવજ પ્રેમીઓ માટે ખૂબ સારા સમાચાર કહી શકાય.
સિંહ દર્શન માટે દેશ-વિદેશનાં યાત્રિકોમાં ભારે ઉત્સાહ
સિંહ દર્શન કોઈપણ પ્રવાસીની એકમાત્ર ઈચ્છા હોઈ શકે છે ત્યારે ગીર વિસ્તારમાં આવેલા સાસણ, દેવળીયા, આંબરડી અને તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલા ગીર નેચર સફારી પાર્ક યાત્રિકોની પહેલી પસંદ બની રહ્યું છે. જો વાત છેલ્લા પાંચ વર્ષની કરીએ તો આ વર્ષ દરમિયાન સાસણ, દેવળીયા અને આંબરડી સફારી પાર્કમાં અંદાજિત 25 લાખ કરતાં વધુ યાત્રિકોએ પાર્કની મુલાકાત કરીને સિંહ દર્શનનો લાહ્વો મેળવ્યો હતો. જેનાથી વન વિભાગની તિજોરી પણ ચાલુ થયેલી છે.
સિંહ દર્શનથી ગીર અને સિંહનો વિકાસ ક્રમિક સધાતો જોવા મળે છે
સાસણ વિસ્તારમાં સિંહ દર્શનની શરૂઆત થવાથી ગીરના સિંહો વધુ સુરક્ષિત બન્યા છે. તેની સાથે સાથે ગીરનું જંગલ પણ આરક્ષિત બનવાથી જંગલમાં થતી કેટલીક ગેરકાયદે પ્રવૃત્તિઓ પણ ધીરે ધીરે દૂર થતી જોવા મળે છે. જેને કારણે આ વિસ્તારમાં સિંહો ખૂબ જ વિસ્તરી રહ્યા છે અને આજે તેની સંખ્યા વધીને 675 સુધી પહોંચી ગઈ છે જેને જોવા માટે દેશ-દુનિયામાંથી ખુબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગીર તરફ આકર્ષાઈ રહ્યા છે. જેને કારણે સાસણ, દેવળિયા, આંબરડી સફારી પાર્ક વન વિભાગ માટે સિંહ દર્શનની સાથે આવકનું ખૂબ મોટું સાધન બની રહ્યું છે. પાછલા પાંચ વર્ષમાં પ્રવાસીઓની વાત કરીએ તો કોરોના કાળને બાદ કરતા અહીં 25 લાખ કરતાં વધુ યાત્રિકોએ સાસણ અને દેવળીયા સફારી પાર્કની મુલાકાત લીધી હતી અને નજર સમક્ષ જંગલના રાજા સિંહને જોવાનો આહ્લાદક અનુભવ પણ જીવનમાં મેળવ્યો હતો.
સુવિધાઓમાં પણ વધારો થતાં સફારી પાર્કની આવક સતત વધતી જોવા મળી રહી છે
પ્રવાસીઓની સંખ્યા સાસણ દેવળિયા આંબરડી સફારી પાર્કમાં સતત વધતી જોવા મળી રહી છે. જેને ધ્યાને રાખીને પ્રવાસીઓની સુવિધા માટે પાછલા કેટલાક વર્ષોમાં ખુબ ફેરફારો જોવા મળી રહ્યા છે. સિંહ દર્શન માટેની પરમિટ ઓનલાઇન થવાથી મોટાભાગના યાત્રિકો પોતાની ટિકિટ ઘરેથી કન્ફર્મ કરીને જ પ્રવાસે નીકળે છે, તો વધુમાં અહીં હોટેલ અને રહેવાની તેમ જ પર્યટનને લગતી અન્ય સુવિધાઓ પણ દિવસે દિવસે વધી રહી છે. દેશની સાથે વિશ્વના પ્રવાસીઓ ગીર અને ખાસ કરીને સાસણ સફારી પાર્ક તરફ વધુ આકર્ષિત થઇ રહ્યા હોવાથી વન વિભાગને સિંહ દર્શનથી ખૂબ સારું આર્થિક હુંડિયામણ પણ મળી રહ્યું છે.