ગુજરાત

gujarat

ETV Bharat / headlines

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ, ચારેય નદીઓ ગાંડીતુર બની, અનેક ગામો સંપર્ક વિહોણા - Tourist place Saputara

ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે રવિવારનાં રોજ ભારે વરસાદ શરૂ થતાં નદી નાળાઓમાં પુર આવ્યા હતા. આ સાથે જ ભારે વરસાદમાં પણ ડાંગી ખેડૂતો રોપણીનાં કામમાં જોતરાઈ ગયા હતા. સાપુતારા સહિત જિલ્લાનાં ફરવાલાયક સ્થળો ઉપર પ્રવાસીઓની ભારે ભીડ પણ ઉમટી પડી હતી.

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ
ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ

By

Published : Jul 25, 2021, 10:46 PM IST

  • ડાંગ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર
  • જિલ્લાની ચારેય નદીઓ ગાંડીતુર બની
  • વરસાદના કારણે નાના જળ ધોધ સક્રિય બન્યા
  • સાપુતારામાં પ્રવાસીઓની ભીડ જામી

ડાંગઃ જિલ્લામાં છેલ્લા ચાર- પાંચ દિવસથી મેઘરાજાએ વિધિવત રીતે પધરામણી કરી છે. જેને લઈને જિલ્લાનાં ખેડૂતો ખેતીનાં કામમાં જોતરાઈ ગયા છે. હાલ ડાંગરની રોપણી પુરજોશમાં ચાલી રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગતરોજથી રાત્રીનાં અરસાથી ડાંગ જિલ્લામાં સાર્વત્રિક રીતનો ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. જેને લઈને જિલ્લાની ચારેય નદીઓમાં અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણાં નદી પાણીનાં પ્રવાહ સાથે ગાંડીતુર બની બન્ને કાંઠે વહેવા લાગી હતી.

નીચાંણ વાળા વિસ્તારના અનેક ગામડાંઓ સંપર્ક વિહોણા બન્યા

ડાંગ જિલ્લામાં ભારે વરસાદનાં કારણે અનેક પંથકોમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ છે. આજે રવિવારે ઉપરવાસનાં કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ થતા નીચાણવાળા વિસ્તારનાં દસેક ગામડાઓ જિલ્લાનાં વહીવટી મથકથી સંપર્ક વિહોણા બન્યા હતા. ડાંગ જિલ્લાનાં કુમારબંધ, ઘોડવહળ, સૂપદહાડ, આંબાપાડા, કોશિમપાતળ તેમજ ચીખલદા કોઝવે ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા કલાકો સુધી આ કોઝવેને સાંકળતા ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા.

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ

અંબિકા નદીનો ગીરા ધોધ ખીલી ઉઠ્યો

અંબિકા નદીમાં ભારે વરસાદથી વઘઇ નજીકનો ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો. આ ઉપરાંત સમગ્ર ડાંગ જિલ્લામાં નાના જળ ધોધ સક્રિય બન્યા હતા.

સાપુતારામાં પ્રવાસીઓની ભીડ જામી

રવિવારના ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી હતી. જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત અન્ય જોવા લાયક સ્થળોએ પ્રવાસીઓની ભીડ જામતા ઠેર-ઠેર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. ડાંગના ગિરિમથક સાપુતારા સહિત અન્ય પ્રવાસન સ્થળોએ ધોધમાર વરસાદી માહોલમાં પ્રવાસીઓએ કુદરતી સૌંદર્યનો આસ્વાદ માણ્યો હતો.

આહવામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો

ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યાં અનુસાર શનિવારે સાંજે 6 વાગ્યાથી રવિવારે સાંજે 6 વાગ્યા સુધીનાં 24 કલાક દરમ્યાન આહવા પંથકમાં 99 મિમી અર્થાત 4 ઈંચ, વઘઇ પંથકમાં 67 મિમી અર્થાત 2.68 ઈંચ, સુબિર પંથકમાં 69 મિમી 2.76 ઈંચ જ્યારે સાપુતારા પંથકમાં 89 મિમી અર્થાત 3.56 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

ABOUT THE AUTHOR

...view details