ન્યૂઝ ડેસ્કઃબોલિવુડની હિન્દી ફિલ્મના (Bollywood songs stories) અઢળક ગીત પાછળ પણ કહાની છે. હકીકત એ પણ છે કે, દરેક ગીતમાં સ્ટોરી હોય છે તો દરેક સ્ટોરીમાંથી જ એક ગીત તૈયાર થાય છે. સમાજમાં જેટલા પ્રસંગો થયા, તહેવારો થયા, જે જે મુડ સમાજમાં જોવા મળ્યા એના પર ગીત (Bollywood music Albums) બન્યા. વિરહથી લઈને વ્હાલ સુધી, સ્પર્શથી લઈને સિસકારા બોલી જાય એ હદ સુધી, દોસ્તીથી લઈને દિલ તૂટેલા આશિક (Bollywood hit songs) સુધી, વિજયોત્સવથી લઈને ભાષાના વેરિએશન સુધી દરેક ફોર્મેટ પર તૈયાર થયેલું એક ગીત છે. એ વાત જુદી છે કે, એમાંથી ઘણા ગીતના કંમ્પોઝિશ અંગ્રેજી ગીતમાંથી બેઠી કોપી મારેલા છે. પણ એની વાત પછી ક્યારેક....
ન બોલે તુમ ન મૈને કુછ કહાઃઅમોલ પાલેકરની સુપરહિટ ફિલ્મ 'બાતો બાતો મે' નું આ ગીત આમ તો દરેકને ગમતુ હશે. પણ આ ગીત જે રીતે બન્યું એ પાછળની કથા એવી છે કે, ગીતકાર યોગેશ, સંગીતકાર રાજેશ રોશન એક રૂમમાં ભેગા થયા હતા. પણ ડાયરેક્ટર બાસુ ચેટર્જીએ કહ્યું હતું કે, મને એક બેસ્ટ ગીત જોઈએ છે. જે એક વાર સાંભળીયે તો દિલને ગમી જાય. ઘણા ગીતના શબ્દો અને મ્યુઝિકના રફ સ્ક્રેચ બન્યા પણ કોઈના કાનને સ્વીકાર્ય ન હતા. હતાશ થઈને આખી ટોળકી બેઠેલી હતી. ત્યાં બાસુ ચેટર્જી કંઈક ગણગણ્યા પણ શબ્દો ન હતા. એવામાં રાજેશજીએ કહ્યું કે, શું થયું. બસ આ પરિસ્થિતિ ગીતકાર યોગેશને ક્લિક થઈ. યોગેશે પૂછ્યું કે, તુમ કુછ બોલે, રાજેશજી કહ્યું ન મૈને તો કુછ નહીં કહા. બસ બની ગઈ ગીતની લાઈન. ન બોલે તુમ ન મૈને કુછ કહા. મગર ન જાને ઐસા ક્યું લગા. પછી ગીત થયું સુપરહિટ
મેરે ખ્વાબો મેં જો આયેઃમુંબઈના એક જાણીતા થિએટરમાં લાંબા સમય સુધી ચાલેલી ડાયરેક્ટર આદિત્ય ચોપરાની સુપરહિટ ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લેં જાયેંગે'ની જ્યારે પણ વાત થાય ત્યારે દરેકને સ્વિત્ઝરલેન્ડ યાદ આવે. એ આલ્પની પર્વતમાળા, ટોય જેવી લાગતી ટ્રેન, લીલાછમ મેદાન અને દાઢી ધ્રુજાવી દે એવી ઠંડી. આ જ લોકેશન જોવા મળે છે. ફિલ્મ 'ચાંદની'માં. બસ એરિયા અલગ હોય છે. પણ આ ફિલ્મનું ગીત 'મેરે ખ્વાબો મેં જો આયે' લતાદીદીના અવાજમાં સાંભળવું ગમે છે. પણ આ ગીતની હકીકત એવી છે કે, આ ગીતના 50 મુખડા આદિત્ય ચોપરાએ રીજેક્ટ કરેલા. અરે...રીતસર ગીતકારના શબ્દોની સ્ક્રિપ્ટ ફાડી નાંખેલી. આ ગીત આનંદ બક્ષીએ લખેલું છે. આ ફિલ્મને આવતા મહિને 27 વર્ષ પૂરા થાય છે. આ ફિલ્મનું પહેલું ગીત 'મેરે ખ્વાબો મેં જો આયે' એ લખાયું હતું. જ્યારે ફિલ્મની સ્થિતિ અંગે બક્ષીને જાણવા મળ્યું ત્યારે તો છથી સાત મુખડા લખાઈ ચૂક્યા હતા. પણ આદિત્યને એક પણ ન ગમ્યા. ત્રણ દિવસ પછી બક્ષી પાછા આવ્યા બીજા સાત મુખડા લખી પણ આદિત્યને એના શબ્દો સાથે મેળ ન પડ્યો. દસ દિવસમાં 50 મુખડા રિજેક્ટ કર્યા. અંતે બક્ષી કંટાળ્યા. પછી આદિત્યએ એમાંથી કેટલીક લાઈન્સ સિલેક્ટ કરીને અને આખું ગીત ફરીથી લખાવ્યું.
છોડ દો આંચલઃકિશોર કુમાર અને આશાના અવાજમાં રેકોર્ડ આ ગીત વાગે એટલે આપણા દાદીથી લઈને પપ્પા સુધી સૌ કોઈનું લિપ્સિંગ ચાલું થઈ જાય. આ ગીતમાં સંગીત હતું એસ.ડી. બર્મનનું. ગીતકાર હતા મજનું સુલ્તાનપુરી. ગીતમાં એક યુવતીની લજ્જાની વાત છે કે, છોડ દો આંચલ જમાના ક્યાં કહેંગા. એ સમયની કેટલી મર્યાદાની વાત છે કે, કોઈ પુરૂષ સાડીનો છેડો પકડે તો પણ એને લોકો શું કહેશે એની ફિકર છે. વાહ...જ્યારે આ ગીત રોકોર્ડ થયું ત્યારે સૌ કોઈ ખુશ હતા. પણ એસ.ડી.બર્મનને મજા આવી ન હતી. કારણ કે આશાનો અવાજ અમુક લાઈનમાં પંચ આપતો ન હતો. પણ રેકોર્ડિંગ બાદ કહ્યું કે, આશા આ ગીતમાં જરાય મજા ન આવી. બિલકુલ સારૂ નથી ગાયું તે. હું કંઈક અલગ વિચારતો હતો તારી ગાયિકી પર. પણ તે આ ગીતને ન્યાય નથી આપ્યો. હું ઈચ્છું છું કે, આ ગીતનું ફરીથી રેકોર્ડિંગ થાય કેટલાક ફેરફાર સાથે. પણ સમયના અભાવે આ ગીતનું ફરીથી રેકોર્ડિંગ થયું જ નહીં અને ગીત અમર થઈ ગયું. જે વાત બર્મનને ના ગમી એ લોકોને ગમી. આમ પણ લોકોને ગમે એ હિટ જ હોયને?
દિયે જલતે હૈઃફિલ્મ 'નમક હરામ'નું આ ગીત આનંદ બક્ષીનું લખેલું છે. કિશોરદાનો અવાજ અને બર્મનનું મ્યુઝિક. બર્મન અને ગુલઝાર બન્ને પાક્કા મિત્રો. પણ ફિલ્મમાં ગુલઝારે એક પણ ગીત નથી લખ્યું. પણ આ ફિલ્મ માટે બેસ્ટ ડાયલોગનો એવોર્ડ ગુલઝાર લઈ ગયા. આ ગીતમાં જોવા મળતો અમિતાભ અને રાજેશ ખન્નાનો ફોટો કોઈ ઈરાદા પૂર્વક કિલક નથી થયો. બન્ને સેટને સમજતા હતા એ સમયે આ ફોટો ક્લિક કરાયો હતો. હવે આ ગીત ટીવી પર આવે એટલે એ ફોટો ખાસ જો જો...