હૈદરાબાદ: બોલિવુડ બાદશાહ શાહરુખ ખાન અને સાઉથ લેડી સુપરસ્ટાર અભિનીત 'જવાન' ફિલ્મ બોક્સ ઓફિસ પર ટૂંક સમયમાં રિલીઝ થશે. આ એક્શન ડ્રામા ફિલ્મ થિયેટરોમાં હાહાકાર મચાવવા માટે તૈયાર છે. તારીખ 7 સપ્ટેમ્બરે ફિલ્મ મોટા પડદા પર આવતા જ એક પછી એક રેકોર્ડ તોડવાનું શરુ કરશે. તો ચાલો 'જવાન' ફિલ્મ કયા રેકોર્ડ તોડી શકે છે, તેની વાત કરીએ.
સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ:હિન્દી સિનેમામાં શાહરુખ ખાન ફરી એકવાર બોક્સ ઓફિસ પર પહેલા જ દિવસે ધડાકો કરવા જઈ રહ્યા છે. ફિલ્મના એડવાન્સ બુકિંગના આંકડા અને ચાહકોમાં ફિલ્મ પ્રત્યે રહેલો ક્રેઝ જણાવે છે કે, ફિલ્મ સ્થાનિક બોક્સ ઓફિસ પર શરુઆતના દિવસે 70 થી 75 કરોડનો બિઝનેસ કરી શકે છે. તે હિન્દીમાં 'બાહુબલી' 2(58 કરોડ), 'KGF'(61 કરોડ) અને 'પઠાણ'(55 કરોડ)ને પછળ છોડી દેશે.
બીજી વખત ખોલશે 50 કરોડનું ખાતું:શાહરુખ ખાન હિન્દી સિનેમાનો પહેલો સ્ટાર હશે, જે પોતાની ફિલ્મથી એક જ વર્ષમાં બીજી વખત 50 કરોડથી વધુની કમાણી કરવા જઈ રહ્યા છે. શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણે' 55 કરોડથી ખાતું ખોલ્યું હતું. હવે તે 'જવાન' સાથે ફરી ચમત્કાર કરશે.
શાહરુખ ખાનની બીજી 100 કરોડ કમાનારી ફિલ્મ:શાહરુખ ખાન ફિલ્મ 'જવાન' સાથે ફરી એક વાર નવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યાં છે. જેમાં શાહરુખ એક જ વર્ષમાં બીજી વખત તેની ફિલ્મના વર્લ્ડવાઈડ ઓપનિંગ ડે પર 100 કરોડ રુપિયાનો આંકડો પાર કરતા જોવા મળશે. આ પહેલા ફિલ્મ 'પઠાણે' ઓપનિંગ ડે પર જ વર્લ્ડવાઈડ 106 કરોડનો આંકડો પાર કર્યો હતો. ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં આ પ્રથમવાર હશે, જ્યારે કોઈ અભિનેતા આ પ્રકારનું પરાક્રમ કરશે.
વર્લ્ડવાઈડ કલેકશનથી તોડશે આ રેકોર્ડ: 'જવાન' શરુઆતના દિવસે વિશ્વભરમાં 125 કરોડનો બિઝનેસ કરશે. આવી સ્થિતિમાં 'બાહુબલી' 2(121)નો રેકોર્ડ તોડવામાં સફળ થઈ શકે છે.
એક વર્ષમાં 500 કરોડની બે ફિલ્મ: 'જવાન' વિશે એવું કહી શકાય કે, તે ઘરેલુ બોકસ ઓફિસ પર 500 કરોડ રુપિયાનો આંકડો સરળતાથી પાર કરી જશે. જો આમ થશે તો શાહરુખ ખાન એક વર્ષમાં 500 કરોડ રુપિયાની બે ફિલ્મો આપનાર એકમાત્ર ભારતીય અભિનેતા બની જશે.