હૈદરાબાદ: એક્શન ફિલ્મના નિર્દેશક રોહિત શેટ્ટીએ તેમની ફિલ્મ 'સિંઘમ' ફ્રેન્ચાઇઝીના ત્રીજા ભાગની તૈયારી કરી લીધી છે. તાજેતરમાં રોહિતે 'સિંઘમ અગેન' અથવા 'સિંઘમ 3'ની જાહેરાત કરીને ચાહકોના ચહેરા પર ખુશી લાવવાનું કામ કર્યું હતું. રોહિતે તેની ફિલ્મ 'સર્કસ'ના કરંટ લગા રે ગીતના લોન્ચિંગ સમયે દીપિકા પાદુકોણ (Rohit Shetty Deepika Padukone) વિશે જાહેરાત કરી હતી કે, તે સિંઘમ અગેઇન ફિલ્મમાં લેડી કોર્પ બનશે. પરંતુ શું તમે જાણો છો કે, લેડી સિંઘમનો આઈડિયા રોહિત શેટ્ટીને કેટરીના કૈફે (Katrina Kaif auditioned female cop) આપ્યો હતો અને તેમણે આ રોલ માટે રોહિત શેટ્ટીને 'ઓડિશન' પણ આપ્યું હતું.
કેટરિનાએ આઈડિયા આપ્યો: રોહિત શેટ્ટી અને કેટરીના કૈફ અભિનેતા રણવીરસિંહના શો ધ બિગ પિક્ચરમાં ફિલ્મ સૂર્યવંશીના પ્રમોશન માટે પહોંચ્યા હતા. જ્યાં કેટરીનાએ રોહિતને કહ્યું કે, તેમની ફિલ્મમાં લેડી સિંઘમનો રોલ હોવો જોઈએ. આ પછી કેટરીના કૈફે પણ લેડી સિંઘમની સ્ટાઈલમાં શોમાં ચાલીને જોરદાર દેખાવ કર્યો હતો.
આ રોલ દીપિકાને મળ્યો:હાલમાં જ મુંબઈમાં આયોજિત આ સોંગ લોન્ચિંગ ઈવેન્ટમાં દીપિકા પાદુકોણ પતિ રણવીર સિંહ અને રોહિત શેટ્ટી સાથે પહોંચી હતી. જેમાં રોહિતે તેની ફિલ્મ માટે દીપિકાને લેડી સિંઘમની ભૂમિકાની પુષ્ટિ કરી હતી. દિગ્દર્શક રોહિત શેટ્ટીની ફિલ્મમાં દીપિકા પાદુકોણ એક્શન અવતારમાં જોવા મળશે. અજય દેવગન ફિલ્મ 'ભોલા'નું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ આ ફિલ્મ પર કામ શરૂ કરશે. ફિલ્મ ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શે એક ટ્વીટ દ્વારા જણાવ્યું છે કે, અજય તેમની આગામી દિગ્દર્શન ફિલ્મ 'ભોલા' પૂર્ણ કર્યા પછી સિંઘમ અગેઇનનું શૂટિંગ શરૂ કરશે.