હૈદરાબાદઃ બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાનનું રાજ ફરી એકવાર સ્થાપિત થઈ ગયું છે. ચાલુ વર્ષે ફિલ્મ 'પઠાણ' બાદ શાહરૂખ ખાને બોક્સ ઓફિસ પર 'જવાન' ફિલ્મથી કરિશ્મા બતાવ્યો છે. ફિલ્મ 'જવાન' 7 સપ્ટેમ્બરના રોજ કૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર રિલીઝ થઈ હતી અને પહેલા જ દિવસે આ ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. લોકોને ફિલ્મ 'જવાન' ખૂબ જ પસંદ આવી રહી છે અને લોકો આ ફિલ્મના સતત વખાણ કરી રહ્યા છે. તે જ સમયે, ફિલ્મ 'જવાન' એ પહેલા દિવસની કમાણીથી ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આવો જાણીએ પહેલા દિવસે 'જવાન'ની કમાણી અને ફિલ્મે કયા રેકોર્ડ બનાવ્યા છેે.
સૌથી મોટી ઓપનિંગ ફિલ્મઃ હિન્દી સિનેમામાં, શાહરૂખ ખાને પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ફરી એકવાર સુનામી લાવ્યો છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મના એડવાન્સ બુકિંગના આંકડા અને ચાહકોમાં આ વિશેનો ક્રેઝ જણાવે છે કે, ફિલ્મે બોક્સ ઓફિસ પર ઓપનિંગ દિવસે 75 કરોડનો બિઝનેસ કર્યો છે. આવું કરીને જવાને પહેલા દિવસની કમાણી મામલે બાહુબલી 2 (58 કરોડ), KGF 2 (53.9 કરોડ) અને પઠાણ (57 કરોડ)ને પાછળ છોડી દીધા છે.
એક જ વર્ષમાં બીજી વખત 50 કરોડઃશાહરૂખ ખાન હિન્દી સિનેમાનો પહેલો સ્ટાર બની ગયો છે, જેણે પોતાની ફિલ્મથી એક જ વર્ષમાં બીજી વખત 50 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. શાહરૂખ ખાને 'પઠાણ'ની શરૂઆતના દિવસે 57 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
શાહરૂખ ખાનની બીજી 100 કરોડની ફિલ્મઃ ફિલ્મ 'જવાન' સાથે હિન્દી સિનેમામાં વધુ એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે, જેમાં શાહરૂખે તે જ વર્ષમાં બીજી વખત તેની ફિલ્મના વર્લ્ડવાઈડ ઓપનિંગ ડે પર 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે. આ પહેલા ફિલ્મ 'પઠાણ'એ ઓપનિંગ ડે પર વિશ્વભરમાં 106 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો હતો. ભારતીય સિનેમામાં આ પહેલીવાર છે જ્યારે કોઈ અભિનેતાએ આવી સિદ્ધિ હાંસલ કરી હોય.