મુંબઈઃકર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023માં આખરે કોંગ્રેસે રાજ્ય પર કબજો કરી લીધો છે. રાજ્યની તમામ 224 બેઠકો પર તારીખ 10 મેના રોજ યોજાયેલ મતદાનનો ટ્રેન્ડ લગભગ આજે એટલે કે તારીખ 13 મેના રોજ આવી ગયો છે. કોંગ્રેસે તેના ગઢમાં ભાજપને હરાવીને પરાક્રમ બતાવ્યું છે. હવે કોંગ્રેસની આ જીતનો સૌથી મોટો હીરો તેના નેતા રાહુલ ગાંધીને માનવામાં આવી રહ્યો છે. પાર્ટીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર રાહુલ ગાંધીનો એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં ઓસ્ટ્રેલિયન સિંગર અને ગીતકાર સિયાનું વિશ્વ પ્રસિદ્ધ અને લોકપ્રિય ગીત 'આઈ એમ અનસ્ટોપેબલ' રાહુલ ગાંધીની તસવીરો પર વાગી રહ્યું છે.
ભારત જોડો યાત્રા: હવે આ વીડિયો સાથે કોંગ્રેસે કર્ણાટક ચૂંટણીમાં જીતની ઉજવણી શરૂ કરી દીધી છે. કર્ણાટકમાં જીત પર કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં રાહુલ ગાંધીના દેશવ્યાપી ભારત જોડો યાત્રા દરમિયાન લેવામાં આવેલી તસવીરોની ઝલક છે. ઉલ્લેખનીય છે કે, કન્યાકુમારીથી શરૂ થયેલી રાહુલ ગાંધીની આ યાત્રા કાશ્મીરમાં પૂરી થઈ હતી. તારીખ 4 મહિનામાં 3 હજાર કિમીથી વધુની આ યાત્રા રાહુલ ગાંધીએ પગપાળા જ પૂર્ણ કરી હતી.